સ . ગુ . સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રીજીમહારાજે સત્સંગનો મહિમા ખૂબજ સમજાવ્યો છે. આ સત્સંગના વિકાસને અર્થે ભગવાન શ્રીહરિએ બે ધર્મપુરા પ્રસ્થાપિત કરીને આચાર્યશ્રીને જવાબદારી સોંપી છે . તેમજ સંપ્રદાયના બહોળા પસાર – પ્રચાર માટે પ. પૂ. ધ. ધુ. આચાર્ય મહારાજશ્રીની આજ્ઞા પ્રમાણે સત્સંગ પ્રચારની પ્રવૃત્તિ કરવી એ સાધુધર્મમાં મહત્ત્વની યોગ્યતા છે. અને તે રીતે વર્તવું તે સાધુઓનું સાચું લક્ષણ છે.

પૂ. સ. ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીએ આજથી ૩૦વર્ષ પહેલા વડતાલ પીઠાધિપતિ વિદ્યમાન પ. પૂ. સનાતન ધ. ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના વરદ્ હસ્તે ( સં. ૨૦૪૫ કારતક સુદ – ૧૧ દિને ) ભાગવતી દીક્ષા ગ્રહણ કરી હતી. દીક્ષા ગ્રહણ કર્યા બાદ સંપ્રદાયમાં કંઈક નિરાળું જ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આજે પૂ. સ્વામીનું ૧૧૦ જેટલા સંતો-પાર્ષદોનું મંડળ પ. પૂ. આચાર્ય મહારાજશ્રી તથા પ. પૂ. લાલજી મારાજશ્રીની આજ્ઞાથી સર્વાવતારી ભવાન શ્રી સ્વામિનારાયણના ‘સર્વજીવ હિતાવત’ દિવ્ય સંદેશાને મુમુક્ષુ જીવાત્મા સુધી પહોંચાડવા માટે સત્સંગ વિચરણમાં અવિરતપણે ગતિશીલ રહે છે.

પૂ. સ. ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂક્ષદાસજીએ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સ. ગુ. શ્રી શતાનંદ સ્વામી દ્વારા વિરચિત, મહાન સમ્રાટ ગ્રંથરાજ શ્રીમદ્ સત્સંગિજીવન તથા શ્રીવેદવ્યાસજી રચિત શ્રીમદ ભાગવતની કથાપારાયણો મુંબઈ, પુના, નવસારી, સુરત, વડોદરા, ગોધરા, આણંદ, ભાવનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, જેતપુર, અમરેલી, સાવરકુંડલા, મહુવા, બોટાદ, માણાવદર, ઉના વગેરે ભારત દેશના મોટા શહેરો-અનેક નગરો તેમજ ગામડાઓમાં તથા ગઢડા, વડતાલ, જૂનાગઢ, જગન્નાથપુરી, હરિદ્વાર, છપૈયા જેવા મહાન તીર્થસ્થાનોમાં અને અમેરિકા, કેનેડા, લંડન, ઓસ્ટ્રેલિયા, સિસલ્સ, દુબઈ વગેરે વિદેશોમાં ૪૦૦થી વધુ સફળ કથામો પૂર્ણ કરી છે. સાથે સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણી એવા વચનામૃત ગ્રંથ ઉપર પણ ૩૦૦ કલાકથી વધારે વિવેચન કરી ભગવાન શ્રી સ્વામિનારાયણની સર્વોપરિપણાનો અંતર્ગત અભિપ્રાય સચોટ રીતે સમજાવવાનો શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં યશ પૂ. સ્વામીશ્રીને ફાળે જાય છે.

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના હૃદયગત સિદ્ધાંતોને વરેલા પૂ. સ્વામીએ ભગવાન શ્રી સ્વામિનારાયણેનો મૂળભૂત સિદ્ધાંત સમજાવાનો પોતાની આગવી શૈલીમાં સફળ પ્રયાસ કર્યો છે. પૂ. સ્વામીની સચોટ અને આચરણ સુસંગત વાણી હજારો ભક્તોના જીવન પરિવર્તન માટે પ્રેરણાદાયી બની છે. તેમજ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતો સમજાવીને લાખો મુમુક્ષુ જીવાત્માઓને સાચી આપ્યાત્મિક પ્રગતિનો માર્ગ મોકળો કર્યો છે.

પૂ. સ્વામીશ્રીના માર્ગદર્શન પ્રમાણે તીર્થધામ સરધાર, જગન્નાથપુરી, મહુવા, ભાવનગર, ડોંબીવલી( મુંબઈ ) વગેરે સ્થાનોમાં ભવ્ય શિખરબદ્ધ મંદિરો ભારતીય સાંસ્કૃતિક ભવ્યતા અને આધ્યાત્મિક દિવ્યતાની સાથે આકાર લઈ રહ્યા છે. તેમજ એક હજાર જેટલા કોલેજીયન વિધાર્થીઓ પણ આજે વિનામૂલ્ય રહેવા-જમવાની આધુનિક સુવિધા પૂર્વક સરધાર-ભાવનગર-મહુવા મંદિર છાત્રાલયમાં રહી સુંદર વિધા-અભ્યાસની સાથે સાથે સત્સંગના દિવ્યગણો પ્રાપ્ત કરી રહ્યા છે.

Share this :