જાણો બોળચોથ નું મહત્વ, વ્રત વિધિ અને તેની પૌરાણિક કથા વિષે

હિન્દુ સંસ્કૃતિમાં અનેક પર્વનું કઈંક અનોખુ મહત્વ હોય છે અને દરેક પર્વની પાછળ તેનો કઈંક હાર્દ છુપાયેલો હોય છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો. શ્રાવણ મહિનાના દરેક તહેવારને ઉજવવા માટે ખાસ પ્રકારના રીતરિવાજને પણ અનુસરવામાં આવતાં હોય છે. આજે બોળ ચોથ છે. જેને ઘણા લોકો બહુલા ચોથ તરીકે પણ ઉજવતા હોય છે.

સૌરાષ્ટ્રના સાત જિલ્લાઓમાં દરેક પર્વમાં રીતરિવાજ થોડા જુદા પડતા હોય છે. પરંતુ સુરતમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને વતનીઓ એકસાથે રહેતા હોવાથી બધા જ તહેવારો ઉજવવા રીતરિવાજ પણ એક જ બની ગયા છે. શ્રાવણ માસની ચોથ એટલે બોળ ચોથ તરીકે ઓળખાય છે. મહિલાઓ આ દિવસે વ્રત કરે છે. આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી નહીં ખાવાની તેવી માન્યતા છે.

પૌરાણિક કથા મુજબ મંદિરે દર્શન કરવા જતી વખતે સાસુ વહુને ઘઉંલો ખાંડીને બનાવવાનો આદેશ આપી ગયા. ગાયના વાછરડાનું નામ ઘઉંલો હોય એથી વહુએ એને ખાંડીને એની રસોઈ બનાવી દે છે તેવી માન્યતાના આધારે એ સમયે થયેલી ભૂલ હવે કયારેય ન થાય એ માટે આ દિવસે શાકભાજી અથવા કોઈ પણ ચીજ સમારવી નહીં અને સમારવાની વસ્તુને હાથ પણ લગાડવો નહીં એ માન્યતા આજ સુધી ચાલી આવે છે. તે ઉપરાંત આજના દિવસે મહિલાઓ ઘઉંના લોટની બનાવેલી કોઈ વાનગી પણ જમતી નથી. પરિણામે મોટા ભાગની મહિલાઓ આજના દિવસે મગ અને બાજરીના રોટલા જમવાનુ પસંદ કરે છે. જ્યારે ઘણી મહિલાઓ તો માત્ર બાજરીના લોટની કુલેર ખાઈને પણ વ્રત કરતી હોય છે.

બોળચોથ નુંવ્રત કરવાની રીત

આ વ્રતની સાથે-સાથે. સાંજે ચાર વાગ્યે વાછરડા સાથેની ઘઉંવણીઁ ગાયનું પૂજન કરી તેના દોષમાંથી મુકત થવાય એ પણ રિવાજ છે. રીત-રિવાજ અથવા માન્યતા એ પૌરાણિક કથાઓ જે હોય તે પરંતુ આજના દિવસે હજારોની સંખ્યામાં મહિલાઓ શ્રધ્ધાથી ગાયનું પુજન કરે છે. ગાયનુ પુજન કરતાં પહેલાં ભુદેવ વૈદિક મંત્રો સાથે સંકલ્પ કરાવે છે પછી ગાયના શિંગ પર તેલ ચોપડી મસ્તક પર તિલક અને રૂમાંથી બનાવેલા નાગલા ચડાવી ગાયને બાજરી ખવડાવી પુછડે જલાભિષેક કરી નમસ્કાર અને પ્રદક્ષિણા કરે છે. આમ, આ પ્રકારે બોળ ચોથની પુજા અને વ્રત કરવામાં આવે છે.

બોળચોથની વ્રત કથા

આ વ્રત શ્રાવણ વદ ચોથને દિવસે આવે છે. આ વ્રત કરનાર એ દિવસે કંકુ ચોખા અને ફૂલના હારથી ગાય અને વાછરડાનું પૂજન કરે છે.અને એકટાણું કરે છે. વ્રત કરનાર એ દિવસે ઘઉંની કે છડેલી કોઈ વસ્તુ ખાતા નથી .
એક હતાં સાસુ અને બીજાં હતાં વહુ!
સાસુ બોળ ચોથને દિવસે નદીએ નાહવા માટે ગયાં અને જતી વખતે વહુને કહેતા ગયાં:
‘અરે વહુ બેટા! આજે તો ઘઉંલો ખાંડીને રાંધી રાખજો.’
‘ભલે.’
એમના ઘરમાં એક ગાય હતી . ગાયનો એક વાછરડો હતો. એ વાછરડાનો રંગ ઘઉંના જેવો હતો, જેથી એનું નામ ઘઉંલો પાડ્યું હતું.
વહુએ તો આ ઘઉંલા નામના વાછરડાને ખાંડણીમાં ખાંડયો અને હાંડલામાં નાખી ચુલે રાંધવા મૂક્યો.
આવીને સાસુએ પૂછ્યું એટલે વહુએ જવાબ આપ્યો:
“અરે બા! ઘઉંલાને ચૂલે તો ચડાવ્યો પણ એણે ઘણો ઉત્પાત મચાવ્યો. ઘણું જોર કર્યું. માંડ માંડ ખાંડયો અને માંડ માંડ ચૂલે ચડાવ્યો.”
આ સાંભળી સાસુના પેટમાં ફાળ પડી અમે લાગ્યું કે નક્કી વહુએ ગાયના ઘઉંલાને ખાંડી નાખ્યો છે એને સમજફેર થઈ છે.
સાસુ તો હકીકત જાણી આભી જ બની ગઈ.
આજે બોળ ચોથ હતી અને ગામના લોકો વાછરડાની પૂજા કરવા આવવાના છે અને હવે એ સૌને શું મોઢું બતાવીશું?
સાસુએ તો ઘઉંલાવાળું હાંડલું ટોપલામાં મૂક્યું અને વહુની માથે મૂકીને ગામની બહાર ગયાં અને હાંડલું ઉકરડામાં ફેંકી દીધું.
અને ઘેર આવીને સાસુ-વહુ અંદરથી ઘર બંધ કરીને છાનામાના બેસી રહ્યા.
ગાય ચરવા ગયેલી તે સાંજે પાછી આવી. તેને ખબર પડી એટલે ગાય તરત દોડતી દોડતી ગામને પાદર ઉકરડા બાજુ ગઈ. ઉકરડામાં
જઈને એને હાંડલામાં શિંગડુ માર્યું એટલે તરત જ હાંડલું ફૂટી ગયું અને તરત જ એમાંથી વાચરડો કૂદીને ઉભો થયો. વાછરડો ગાયને ધાવવા લાગ્યો.
આ બાજુ વાછરડાને પૂજવા માટે સાસુ-વહુને ઘેર આવ્યા તો ઘર અંદરથી બંધ. બધાએ બારણું ખખડાવ્યું પણ ઘર અંદરથી ઉઘડે નહિ.
એવામાં ગાય અને વાછરડો ઘરે આવ્યાં અને વાછરડો ગાયને ધાવવા લાગ્યો.એટલે એક બાઈએ કહ્યું: “ અરે બારણું તો ઉઘાડો!! આ તમારો વાછરડો ગાયનું બધું દૂધ ધાવી જાય છે.”
સાસુ-વહુએ બારણાની તિરાડમાંથી જોયું તો ખરેખર ગાય ઉભી હતી અને વાછરડો ધાવતો હતો. સાસુ-વહુએ બારણું ઊઘાડયું.
ગાય અને વાછરડાને અંદર લીધા અને સૌએ એમની પૂજા કરી અને વ્રત પૂરું કર્યું.
દર વર્ષે બોળ ચોથનું વ્રત કરવું. એ દિવસે વ્રત કરનારે દળવું નહિ અને ખાંડવું પણ નહીં. આ વ્રત કરનારને આ વ્રત ગોરાણીની માફક ફળજો.

Source link —> www.bhelpoori.com/2017/08/11/%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B3%E0%AA%9A%E0%AB%8B%E0%AA%A5-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE/

Share this :