જાણો શ્રીકૃષ્ણઃ શરણં મમ મંત્ર નો અર્થ અને તેનું મહત્વ

શ્રીકૃષ્ણઃ શરણં મમ’ તે અષ્ટાક્ષર મંત્ર છે. તેનો અર્થ એવો છે કે શ્રીકૃષ્ણ જ મારું શરણ છે. એટલે કે હું શ્રીકૃષ્ણનું શરણ સ્વીકારું છું. શરણ શબ્દના ઘણા અર્થ છે. તેમાં ત્રણ મુખ્ય અર્થ છે. શરણ એટલે આશ્રય, ઘર અને રક્ષક. શ્રીકૃષ્ણ જ મારો આશ્રય છે. એટલે કે હું જ શ્રીકૃષ્ણનો જ છું. મારું સર્વ કંઈ શ્રીકૃષ્ણ જ કરશે. મારા કોઈ નાના મોટા સ્વાર્થ માટે હું શ્રીકૃષ્ણને છોડીને બીજા કોઈ પાસે જઈશ નહિ. શ્રીકૃષ્ણ સર્વસમર્થ છે, તેમની છત્રછાયામાં હું સંપૂર્ણ રીતે સુરક્ષિત અને નિર્ભય છું. મને ત્યાં કોઈપણ પ્રકારનો ડર નથી. આ ‘શ્રીકૃષ્ણ શરણં મમ’મંત્રનો અર્થ છે.

કૃષ્ણ શબ્દનો અર્થ શાસ્ત્રોએ બતાવ્યો છે. ‘કૃષ્’ એટલે આકર્ષવું. ‘ણ’ એટલે આનંદ. જે પોતાના લૌકિક આનંદ સ્વરૂપથી જીવોને પોતાના તરફ આકર્ષીને પોતાનામાં જોડી રાખે છે તે શ્રીકૃષ્ણ.

દરેક મંત્રને એક બીજ મંત્ર હોય છે. જેમ બીજમાં પરોક્ષ રીતે આખું વૃક્ષ છુપાયેલું હોય છે, તેમ બીજમંત્રમાં આખો મંત્ર પરોક્ષ રીતે રહેલો હોય છે. અષ્ટાક્ષર મંત્રમાં શ્રી અક્ષર બીજમંત્ર છે.

આ મંત્ર અલૌકિક સામર્થ્યવાન હોવાથી પ્રભુના સાક્ષાત અનુભવનું શ્રેષ્ઠ ફળ તો આપે જ છે, પરંતુ સાથે સાથે વગર માગે જગતનાં દુઃખ દૂર કરી આવશ્યક લૌકિક સુખ પણ આપે છે. માટે આ મંત્રને વૈષ્ણવોએ પોતાનું સર્વસ્વ માનીને પૂરી શ્રદ્ધાથી તેનો જપ કરવો જોઈએ.

આ મંત્રના આઠેય અક્ષરોનું રહસ્ય પણ જાણવા જેવુ છે.

‘શ્રી’ એટલે શ્રી સ્વામિનીજી. તે અલૌકિક લક્ષ્મી છે. ‘શ્રી’ મંત્રાક્ષરના પ્રભાવથી
વ્યક્તિનું
સમાજમાં તેના માન – પ્રતિષ્ઠા વધે છે,
‘કૃ’ અક્ષર સમસ્ત પાપોનો નાશ કરે છે. અજાણતામાં થઈ ગયેલા સર્વ અપરાધો ‘કૃ’ ના ઉચ્ચારથી નાશ થાય છે.
‘ષ્ણઃ’ અક્ષરના પ્રભાવથી આધિ, વ્યાધિ, ઉપાધિમાંથી જીવ મુક્ત થાય છે. તેના મનની વ્યગ્રતા દૂર થાય છે.
‘શ’ અક્ષરના પ્રભાવથી જન્મ અને મરણમાંથી અને કર્મફળમાંથી મુક્તિ મળે છે. .
‘ર’ અક્ષરના પ્રભાવથી પ્રભુના સ્વરૂપનું સાચું જ્ઞાન થાય છે. પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થવું, એ બહુ મોટી સિદ્ધિ છે.
‘ણં’ અક્ષરથી પુષ્ટિભક્તિની પ્રાપ્તિ થાય છે. પુષ્ટિભક્તિ સાધનોથી મળતી નથી. પ્રભુકૃપાથી મળે છે.
‘મ’ અક્ષરના પ્રભાવથી ગુરુદેવમાં પ્રીતિ થાય છે. ગુરુકૃપાથી ભગવાનનું જ્ઞાન અને ભગવાન બંને પ્રાપ્ત થાય છે.
‘મ’ અક્ષરના પ્રભાવથી પુષ્ટિભક્તિનું અલૌકિક ફળ પ્રાપ્ત થાય છે. પુષ્ટિભક્તિના ત્રણ ફળ છે. મુખ્ય ફળ અલૌકિક સામર્થ્ય છે. મધ્યમ ફળ સાયુજ્ય મોક્ષ છે. કનિષ્ઠ ફળ સેવાપયોગી દેહ છે. અધિકાર પ્રમાણે આ ત્રણ પૈકી એક ફળ પ્રાપ્ત થાય છે.

આ સિદ્ધિદાયક મંત્રના પ્રભાવથી ભૂત, પ્રેત, પિશાચ આદિનો ભય રદેતો નથી. કોઈ સંકટ આવતું નથી. આવેલા સંકટ દૂર થાય છે. શત્રુ મિત્ર બની જાય છે. મેલી વિદ્યાનો પ્રભાવ થતો નથી. ગ્રહપીડા નાશ પામે છે, હૃદયની મલિનતાઓ દૂર થાય છે. સમસ્ત સંકટો દૂર થાય છે.

Source link —> gujarati.webdunia.com/article/janmashtami/what-is-the-secret-of-ashtaakshar-mantra-115090100015_1.html

Share this :