જાણો મંદિર પર ધજા શા માટે ફરકાવવામાં આવે છે, અને તેનું મહત્વ
વિવિધ મંદિરો દેવસ્થાનોમાં ધજા શા માટે ફરકે છે? એવો સવાલ આપણને ક્યારેક તો જરૂર થયો હશે! ધજાનું આધ્યાત્મિક મહત્વ અનેરું છે. ફરકતી ધજા મંદિર માટે અગત્યની છે. ધજા મંદિરના શિખર પર એક દંડમાં ફરકતી રહે છે, વરસાદ હોય કે પવન, પણ તે ફરકવાનું ભૂલતી નથી. આપણે જુદાં-જુદાં મંદિરોમાં જુદાં-જુદાં રંગ ધજાઓના દર્શન કરીએ છીએ. ધજા બનાવવા માટે સાટિંગ અથવા રેશમનું કાપડ વપરાય છે. જેને સજાવવા માટે તૂઈ કે જરીનો ઉપયોગ થાય છે.
મંદિર ઉપર ધજા શા માટે? એનો જવાબ મંદિર નિર્માણ શાસ્ત્રમાં સોમપુરાઓએ લખ્યો છે કે, મંદિરએ દેવ શરીર સ્વરૂપ છે, એના પાયા એ પગ છે, એના પિલર ઘૂંટણ છે, ગર્ભગૃહ એનું હૃદય છે અને તેમાં બળતો દીવો આત્માનું પ્રતીક છે. જ્યારે શિખર એ મસ્તક છે અને તેના ઉપર ફરકતી ધજા એ વાળ સ્વરૂપે ફરકે છે તેવું વર્ણન છે. બ્રહ્માંડમાંથી દેવી શક્તિને તથા સકારાત્મક તરંગોને મંદિરમાં બોલાવવા માટે ધજાએ રડાર જેવું કામ કરે છે.
દ્વારિકાધીશ મંદિરમાં ધજા અર્પણ કરનાર ભક્તોએ અગાઉથી નામ નોંધાવવા પડે છે, કારણ આ યાદી લાંબી હોય છે. દ્વારકાધીશ મંદિરમાં બાવન ગજની ધજા ચડાવાય છે. નવી ધજા ચડાવતા પહેલા તેને ટોપલીમાં વાજતે-ગાજતે લાવવામાં આવે છે, પછી તેનું સામૈયુ કરવામાં આવે છે. કોઈપણ ભક્ત બસમાં બેઠા-બેઠા દૂરથી પણ જો ધજાના દર્શન કરી લે તો તે ધન્ય થઈ જાય છે. ભક્તને ધજાના દર્શનમાત્ર આનંદ સાથે સંતોષ થાય છે.
દ્વારકાધીશના મંદિરમાં ચડતી બાવન ગજની ધજા ચડાવનાર ભક્તને બાવન સંયોગો તથા લાભની પ્રાપ્તિ થાય છે. આ ધજને મસ્તકે ચડાવવાથી ચિંતામુક્તિનો અનુભવ થાય છે. બાવન ગજની ધજાનો અર્થ આ પ્રમાણે છે, 4 દિશા, 12 રાશિ, 9 ગ્રહો, 27 નક્ષત્રોનો સરવાળો 52 થાય છે. જેથી એવું કહેવાય છે કે, કોઈપણ મંદિરના દર્શને જઈએ ત્યારે ધજાના દર્શન અવશ્યથી કરવા જોઈએ. ધજાના મનોરથથી ભક્તના મનમાં કાયમી અલૌકિક મીઠી યાદ રહે છે. ધજા માનવ જીવનને ધન્ય બનાવે છે.
વૈષ્ણવ સંપ્રદાય તથા હવેલીઓમાં ધજાજીનો મહિમા અનોખો છે. વૈષ્ણવો જ્યારે એક ગામથી બીજે ગામ ધજાજીને લઈ જાય છે, ત્યારે ભક્તો ધજાજીનું સન્માન સાથે સ્વાગત કરે છે. ધજાજીની પધરામણી કોઈ એક ભક્તને ઘેર કરવામાં આવે છે, ત્યારે ઉત્સવ જેવો માહોલ જોવા મળે છે. ધજાજી માટે બોલી કે ઉછામણી કરવાની પ્રથા પણ છે. હિન્દુ ઉપરાંત અન્ય ધર્મોમાં પણ ધજાનો મહિમા ગવાયો છે. આપણે ત્યાં ભગવાનના વસ્ત્રો તથા વાઘા વહેંચનારની દુકાનોમાં તૈયાર ધજા પણ વહેંચવામાં આવે છે.
ધજા ઉન્નતિ કે ઊંચાઈની નિશાની છે, ધજાના દંડ પાસેથી સ્થિર રહેવાની શીખ મળે છે. આ ધજા વારે તહેવારે બદલાવવામાં આવે છે. પદયાત્રા કરનાર સંઘો હાથમાં ધજા તથા પતાકા લઈને પગપાળા મંદિરે જતા હોય છે. મહાભારતના યુદ્ધ સમયે અર્જુનના રથની ધજામાં સ્વયંશ્રી હનુમાનજીના દર્શન થયા હતા તેવો ઉલ્લેખ પણ શાસ્ત્રોમાં જોવા મળે છે. ભારતમાં અનેક સંતોએ ધર્મની ધજા લહેરાવી છે. ધજા વીરતા તથા શૌર્યની નિશાની ગણાય છે. ધ્વજવંદનના કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રધ્વજને સલામી અપાય છે. આમ, ધજાએ પવિત્રતા, પારદર્શિતા તથા પ્રેમનો પર્યાય છે.
Source link —> aapdujunagadh.com/temple-flaghost