જાણો કોની ભક્તિ થી સોમનાથ મહાદેવ મંદિર નામ પડ્યું ?

અરબી સમુદ્રની છાલકોથી પવિત્ર થયેલું અને પૌરાણિક કાળને સીધું જ આધુનિક કાળમાં લઈ જતું 12 જ્યોતિર્લિંગોમાંનું એક મહત્વનું જ્યોતિર્લીંગ મંદિર એટલે સોમનાથ મહાદેવ મંદિર. આ આર્ટીકલના માધ્યમથી આજે આપણે, સોમનાથ મહાદેવની વૈદિક કાળમાં થયેલી સ્થાપના અને આધુનિક કાળમાં થયેલી પૂનઃસ્થાપના વિશેની રોચક વાતો જાણીશું.

સૌરાષ્ટ્ર(ગુજરાત)માં પશ્ચિમી અરબી સમુદ્રના કિનારે આવેલું સોમનાથ મહાદેવ સૌથી જૂનું અને મહત્વપૂર્ણ જ્યોતિર્લીંગ છે. આ જ્યોતિર્લીંગનું વર્ણન ઋગ્વેદમાં પણ છે. સોમનાથ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલા આ મંદિરનું નિર્માણ ચંદ્રદેવે સોનાથી કરાવ્યું હતું, ત્યારબાદ રાવણે ચાંદીથી કરાવ્યું હતું. રાવણ બાદ ભગવાન શ્રીકૃષ્ણએ ચંદનની લાકડીઓથી કરાવ્યું હતું અને ત્યારબાદ ભીમદેવએ પત્થરથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.

હિંદુ ધર્મમાં સોમનાથનું એક અલગ જ સ્થાન છે. સોમનાથ મંદિરને બાર જ્યોતિર્લિંગોમાં પહેલું સ્થાન પ્રાપ્ત છે. એટલું જ નહીં, કહેવાય છે કે મહાદેવજી આ જગ્યાએથી કોઈપણ ભક્તને ખાલી હાથે પાછાં નથી જવા દેતા. એક પૌરાણિક માન્યતા અનુસાર સોમનાથ મંદિરમાં સ્થાપિત જ્યોતિર્લિંગ જ દ્વાદશ જ્યોતિર્લિંગોમાં સ્થાપિત સૌથી પહેલું રુદ્ર જ્યોતિર્લિંગ છે. શ્રદ્ધાળુઓ સવારથી જ ભગવાન સોમનાથનાં દર્શન માટે કીડીયારાની જેમ ઉભરાતાં હોય છે, અહીં આવવાંવાળાં દરેક શ્રદ્ધાળુઓના મનમાં અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આવે છે.

સોમનાથ મંદિરની બનાવટ અને મંદિરની દીવાલો પર કરવામાં આવેલી શિલ્પકારી શિવ ભક્તિનો ઉત્કૃષ્ટ નમુનો છે. સોમનાથ મંદિરનો ઈતિહાસ બતાવે છે કે, સમય-સમય પર મંદિર પર કુલ 17 જેટલા આક્રમણ થયાં, ઘણી તોડફોડ કરવામાં આવી અને દરેક વખતે મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો, પરંતુ મંદિર પર કોઈપણ કાલખંડનો કોઈ જ પ્રભાવ જોવા નથી મળતો. કહેવાય છે કે, સૃષ્ટિની રચના સમયે પણ આ શિવલિંગ અહિયાં હૈયાત હતું. ધર્મગ્રંથો અનુસાર શ્રાપથી મુક્તિ મેળવવા માટે ચંદ્રમાએ અહીંયા શિવજીની આરધના કરી હતી. એટલાં માટે ચંદ્ર એટલે સોમનાં નામ પરથી જ આ મંદિરનું નામ સોમનાથ પડ્યું.

વેરાવળની નજીક આવેલું આ સોમનાથ મહાદેવનું મંદિર એ દરિયાકિનારાથી શોભતું એક સુંદર જ્યોતિર્લીગ છે. રોજ દરિયાની છાલકોથી આ મંદિર પાવન થતું જ રહે છે. અવકાશ અને પૃથ્વીની વચ્ચેના આ પ્રભામંડલમાં શિવજીની આરાધના કરવાથી ચંદ્ર દેવને પ્રભા અર્થાત તેજ-કાંતિ પ્રાપ્ત થાય તેવી આ આશા અને શ્રદ્ધાનું આ પવિત્ર સ્થળ તેથી ‘પ્રભાસ’ કહેવાયું છે. પાટણ શબ્દ પતન પરથી આવ્યો છે એટલે આ નગરનું નામ “પ્રભાસપાટણ” પડ્યું છે.

પુરાણોમાં પણ આ પ્રભાસપાટણ અને સોમનાથ મહાદેવનો ઉલ્લેખ જોવા મળે છે. પુરાણકથા મુજબ ચંદ્રદેવ પોતાની આભા ખોઈ બેઠાં હતાં. એમનો પ્રભાવ ઓસરતો જતો હતો. ચંદ્રદેવને નક્ષત્ર નામવાળી 27 પત્નીઓ છે, તે બધી દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી. તેમાંથી રોહીણી નામની પત્ની સાથે ચંદ્ર સદાય પ્રેમમગ્ન રહેતાં, જ્યારે બાકીની 26 પત્નીઓ જે બધી રોહિણીજીની સગી બહેનો જ હતી. તે પતિ વિયોગે ઉદાસ રહેવા લાગી.

એક દિવસ પિતા દક્ષ દિકરીઓને દુઃખી જાણી દુ:ભાયા અને જમાઈ ચંદ્રને આજ્ઞા કરી કે, કૃપા કરી દરેક પત્નીઓ સાથે સરખો પ્રેમભાવ રાખો. ચંદ્ર મહારાજે વડીલ સસરાની આજ્ઞા નકારી દીધી. 26 દિકરીઓને ઉદાસ રાખી અપમાનીત કરનાર ચંદ્રથી દુ:ખી પિતા દક્ષરાજાએ “ચંદ્ર તારો ક્ષય થાવ” એવો શ્રાપ આપ્યો. દિન પ્રતિદિને ચંદ્રની પ્રભા નષ્ટ થઈ ગઈ. ચંદ્રના તેજ વગર અન્ન અને ઔષધીઓ રસ વગરના થઈ ગયા અને પ્રજા નષ્ટ થવા લાગી.

આથી પ્રજાપિતા બ્રહ્માની સલાહથી ચંદ્રએ રોહીણી સાથે પૃથ્વી અને અવકાશ વચ્ચેના આ સ્થળે પ્રભા(તેજ)ની આશા સાથે તપસ્યા શરૂ કરી. તપથી પ્રસન્ન થયેલ શંકરના અનુગ્રહથી ચંદ્રનો શ્રાપથી અંશત: છુટકારો થયો અને ચંદ્રદેવ પુનઃ પ્રભાયુક્ત થઈ ગયા. ચંદ્રએ જ્યાં શિવજીની ઉપાસના કરી હતી, તે મુખ્ય તીર્થ પ્રભા આશ કે પ્રભાસના નામથી વિખ્યાત થયું છે. ત્યાર પછી બ્રહ્માજીએ અર્ધચંદ્રને ધારણ કરનાર ભગવાન શિવજીનું સ્થાપન ચંદ્ર અને રોહીણી પાસે સુવર્ણમય મંદિરમાં કરાવ્યું. ત્યારથી આ જ્યોતિર્લીંગને સોમનાથ કે ચંદ્રપ્રભુના નામથી ઓળખાય છે.

ઈતિહાસમાં આ શિવાલય પર અનેક વિધર્મીઓ દ્વારા આક્રમણો થયા અને આ મંદિરનું ખંડન થયું, ત્યારે ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલે 13, નવેમ્બર, 1947ના રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું છે. વર્ષ 1951, 11મી મે અને વૈશાખ સુદ પાંચમના દિવસે પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે સમુદ્રમાં સ્નાન કરીને સવારે 9.30 વાગ્યે, હોરા નક્ષત્રમાં સોમનાથ મહાદેવની સ્થાપના કરી. એ સમયે મહાદેવજીને 101 તોપોનું સન્માન અપાયું, નૌકાદળે સાગરમાંથી તોપો ફોડી. સેંકડો બ્રાહ્મણોએ વેદઘોષ કરીને પ્રતિષ્ઠા કરી. શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. હાલમાં ટ્રસ્ટનાં ચેરમેન ભુતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ છે અને સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં.

ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનું “કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર” ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી. દેવાધિ દેવ શ્રી

સોમનાથ મહાદેવના ચરણોમાં કોટિ કોટિ વંદન…

Source link —> aapdujunagadh.com

Share this :