જાણો ગણેશજીના બાર નામ વિષે, વ્રત વિધિ અને પુજા કરવાની રીત

ગણેશજીની ઉત્પત્તિની કથા

ગણેશજીની ઉત્પત્તિની એક બહુ પ્રચલિત કથા પ્રમાણે માતા ભગવતી પાર્વતીજી અને કૈલાસપતિ ભગવાન શંકર આનંદ ઉલ્‍લાસપૂર્વક જીવન પસાર કરતા હતા. એક દિવસ એવું બન્‍યું કે ભગવતી ઉમા સ્‍નાનાગારમાં હતા અને બહાર દ્વારપાળ તરીકે નન્‍દી ઊભા હોવા છતાં મહેશ્વરે માતાજી સ્‍નાન કરે છે એવા નન્‍દીના નિવેદનને અવગણીને સ્‍નાનાગારમાં પ્રવેશ કર્યો. આથી માતા પાર્વતી લજ્જિત થઇ ગયાં. આથી માતા ઉમાએ પોતાના અંગ ઉપરના મેલનું એક પૂતળું બનાવ્યું અને તેમાં પ્રાણનો સંચાર કર્યો. આ બાળક પરમ સુંદર, અત્યંત બુદ્ધિશાળી અને પરાક્રમી હતો. તેમણે પાર્વતીજીના ચરણોમાં અત્યંત શ્રદ્ધા સાથે પ્રણામ કર્યા અને તેઓની આજ્ઞા માગી. દેવી પાર્વતીએ કહ્યું કે તું મારો પુત્ર છે, સર્વથા મારો જ છે. તુ મારો દ્વારપાળ થઇ જા અને મારી આજ્ઞા વગર કોઇ મારા અંતઃપુરમાં ન પ્રવેશે તેનું ધ્યાન રાખજે. એક વખત તપ કરીને ઘરે પાછા ફરેલા મહાદેવજી ઘરમાં દાખલ થવા ગયા, ત્યારે દરવાજા પાસે ઊભેલા શ્રી ગણપતિએ તેમને અંદર જતા રોક્યા. ભગવાન શંકર કોપાયમાન થયા. બંને વચ્ચે યુદ્ધ થયું. છેવટે મહાદેવજીએ ગણેશજીનું મસ્તક ધડથી જુદું કરી દીધું. પાર્વતીજી કલ્પાંત કરવા લાગ્યા.પાર્વતીજીના શોકને સમાવવા અને ગણપતિજીને સજીવન કરવા મહાદેવજીએ એક હાથીનું મસ્તક કાપી ગણપતિજીના ધડ પર મૂકી દીધું. ત્યારથી ગણેશજી ગજાનન કહેવાયા.

वक्रतुंड महाकाय सूर्यकोटी समप्रभ ।

निर्विध्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ।।

ગણેશજીને ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થયા કે હિન્દુ ધર્મમાં કોઈપણ કાર્યના પ્રારંભે તેમની જ પૂજા કરવામાં આવશે અને તેમના આહવાનથી ભક્તોના કોઈપણ કાર્યો નિર્વિઘ્ને પાર પડશે. આથી કોઈપણ શુભ કાર્યના પ્રારંભે ઉપર દર્શાવેલા શ્રી ગણેશજીના શ્લોક સાથે તેમની પૂજા-અર્ચના કર્યા બાદ જ કામનો આરંભ કરવાનું અનેરુ મહત્વ છે.

શ્રી ગણેશજીના મુખ્‍ય બાર નામ છે જે ૧. સુમુખ, ૨. એકદંત, ૩. કપિલ, ૪. ગજકર્ણ, ૫. લંબોદર, ૬. વિકટ, ૭. વિઘ્‍નનાશન, ૮. વિનાયક, ૯. ધૂમ્રકેતુ, ૧૦. ગણાધ્‍યક્ષ, ૧૧. ભાલચંદ્ર, ૧૨. ગજાનન

ચતુર્થીએ જ ગણેશ વ્રત કેમ ?

ગણેશપુરાણમાં જણાવ્યા અનુસાર ચતુર્થીના દિવસે સૂર્ય અને ચંદ્ર એવી રીતે અવકાશમાં ગોઠવાયેલા હોય છે કે, જેથી આપણે પોતાની પ્રગતી માટે કોઈપણ કામ કરીએ તેમાં ખૂબ મક્કમતાપૂર્વક આગળ વધીએ છીએ જેથી આપણને ખૂબ સારું પ્રોત્સાહન મળે છે. આથી કોઈપણ પ્રકારના અવરોધો દૂર કરવા માટે શ્રી ગણેશજીની પૂજા ચતુર્થીના દિવસે કરવામાં આવે છે. એક માન્યતા અનુસાર ગણેશજીની ઉત્પતિ ભાદરવા સુદ ચતુર્થીના રોજ થઈ હોવાથી ચતુર્થીના રોજ ગણેશજીની પૂજાનું મહત્વ માનવામાં આવે છે.

ગણેશ ચતુર્થીનું વ્રત કઇ રીતે કરવું ?

ગણેશ ચતુર્થીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠીને સ્નાન અને દૈનિક ક્રિયાઓથી નિવૃત્ત થઇ, શુદ્ધ વસ્ત્ર ધારણ કરવાં. પૂજાના સ્થાન પર પૂર્વ દિશા બાજુ મુખ રાખીને કુશના આસન પર બેસવું. પોતાની સામે બાજઠ પર સફેદ વસ્ત્ર પાથરીને તેના પર એક થાળી માં કુંકુમથી શુભ-લાભ લખવું યા સ્વસ્તિકનું ચિન્હ કરવું અને તેના પર મૂર્તિ સ્થાપવી. થાળીમાં કુંકુમ અને કેસરથી રંગેલા અક્ષતની ઢગલી કરવી અને તેના પર ગણેશજી મૂકી તેમનું પૂજન કરવું. અને શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો અને દિવસ દરમ્યાન ઉપવાસ કરીને રાત્રે ચંદ્રના દર્શન કરી ને ગણેશજીને લાડુનો ભોગ ધરાવવો અને નેત્રો બંધ કરીને પૂરી શ્રદ્ધાભાવથી ગણેશજીનો ઉપવાસ છોડવો.

સંકટ ચતુર્થીનું વ્રત કરવાથી તમારા જીવનમાં આવેલા દરેક પ્રકારના સંકટો દૂર થાય છે અને જો કોઇપણ પ્રકારનો આક્ષેપ લાગ્યો હોય તો તે દૂર થાય છે અને સમાજમાં માનપ્રતિષ્ઠા મળે છે, આયુષ્ય અને બળમાં વધારો થાય છે અને બધી જ બાજુ આપની કીર્તિ ફેલાય છે.

આ ઉપરાંત નીચે દર્શાવ્યા અનુસાર પૂજા કરવાથી પણ આપ અપેક્ષિત ફળ મેળવી શકો છો.

1. જળસ્નાન કરાવાથી જીવનમાં દુઃખનો નાશ થાય છે અને સુખનો આગમન થાય છે અને જીવનમાં વિદ્યા, ધન, સંતાન અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

2. સફેદ પુષ્પો અથવા જાસુદ અર્પણ કરવાથી કિર્તી મળે છે.

3. દુર્વા- અર્પણ કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય, આર્થિક ઉન્નતિ થાય છે અને સંતાનસુખ મળે છે.

4. સિંદુર અર્પણ કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે

5. ધુપ અર્પણ કરવાથી કિર્તી મળે છે.

6. લાડુ અર્પણ કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.

7. મંત્રપુષ્પાંજલિ – હાથમાં પુષ્પો રાખી અત્યાર સુધી પૂજામાં કોઇ ભૂલ થઇ ગઇ હોય તો માફી માગી ભગવાનને બે હાથ જોડી અને માથું નમાવીને ફૂલો અર્પણ કરવા.

Source link —> www.bhelpoori.com

Share this :