જાણો ભગવાન ગણપતિજીના સિઘ્ધિવિનાયક મંદિર વિશે
જો કોઈને રિઘ્ધિ સિઘ્ધિ મેળવવી હોય તો એને સખત સંઘર્ષ તો કરવો જ પડતો હોય છે. કાંઈ નસીબ દરેકને સાથ આપે એવું ના બને. આ નિયમ ફક્ત મનુષ્યને જ લાગુ પડે છે એવું પણ નથી. ઘણી વાર દેવી દેવતાઓનાં મંદિરોએ પણ ખ્યાતિ મેળવવા માટે લાંબો સમય રાહ જોવી પડતી હોય છે. વર્ષોના અસ્તિત્વ પછી લોકો દેવદર્શને આવતાં થાય. ત્યારબાદ જ નાની દેરી મોટા મંદિરનું સ્વરૂપ ધારણ કરે છે. મુંબઈના સિઘ્ધિવિનાયક મંદિરની વિકાસગાથા પણ કંઈક એની જેવી જ છે.
ફક્ત બે દાયકા પૂર્વે આ સિઘ્ધિવિનાયકના દર્શને આવતા ભક્તોની સંખ્યા સેંકડોમાં ગણાતી અને આજે એ આંકડો લાખોમાં બોલાય છે. પહેલા જ્યાં પ્રવેશદ્વાર પાસે ચંપલ કે બૂટ ઊતારીને તરત જ દર્શન કરી લેવાતા હતા અત્યારે એ જ આરાઘ્યદેવ સામે હાજર થઈએ શ્રઘ્ધાના ફૂલ ચઢાવવા માટે લોકોને હવે કલાકો સુધી લાંબી કતારમાં ઊભા રહી તપ કરવું પડે છે. પ્રભાદેવીના સિઘ્ધિવિનાયક મંદિરની હરોળમાં જ હાજીઅલીની દરગાહ તેમજ માહિમનું માઉન્ટમેરી ચર્ચ ઘણા વર્ષોથી પ્રખ્યાત છે. એવી જ રીતે છેલ્લાં એક દાયકામાં સિઘ્ધિવિનાયક મંદિર પણ કોસ્મોપોલિટન ધર્મસ્થાનક સમાન બન્યું છે.
હવે તો એવું થયું છે કે વર્ષના ખાસ દિવસોએ સિઘ્ધિવિનાયકના દર્શન કરવા માટે બે-બે દિવસ અગાઉથી લોકો લાઈનમાં ઉભા રહે છે. દર્શનાર્થીઓની એટલી મોટી ભીડ જામે છે કે મંદિરની આસપાસનો વિસ્તાર મોટા મેળા જેવો જ જોવા મળે છે. દર્શનાર્થીઓની લાંબી વાંકાચૂકા સાપોલિયા જેવી લાઈનમાં તમને નામી- અનામી, ફિલ્મસ્ટાર, ટીવી સ્ટાર, સરકારી અમલદારો અને મુંબઈના ટોચના પોલીસ અફસરો પણ જોવા મળે છે. તો આવો છે કંઈક સિઘ્ધિવિનાયક ભગવાનનો પ્રતાપ.
કોઈ પણ યાત્રાળુ મંગળવારના કે અંગારકી ચોથના દિવસે દર્શનના મહિમાથી વંચિત ના રહે એના માટે સિઘ્ધિવિનાયક મંદિરના વ્યવસ્થાપકો રસ્તા પર નાનો મંચ ઊભો કરી કલર ટેલિવિઝનના ત્રણ સેટ ગોઠવી દે છે. એમાંથી કેટલાક ભક્તો તો ટીવી પર જ ગણેશદર્શન કરી લે છે અને શ્રીફળ વધેરી ફુલ ધરીને નજીકમાં પડેલી પેટીમાં યથાશક્તિ દાન કરીને સંતોષ માની લે છે.
ભલે મુંબઈ કેટલું પણ મોડર્ન બની જાય પણ દેવદેવીઓ પ્રત્યે શ્રઘ્ધાની જ્યોત સહેજે પણ ઝાંખી પડશે નહિ. માત્ર એટલું જ નહીં, જેમ જેમ જીવનમાં હાડમારી અને મોંઘવારી વધતી જાય છે તેમ તેમ દેવી દેવતાઓનો આધાર લેવાની પ્રકૃતિ પ્રવૃત્તિ પણ વધતી જાય છે. મુંબઈમાં તો બોરીવલીના સિઘ્ધિવિનાયક સિવાય સિક્કાનગર, ફોફલવાડી, કાંદીવલી, અંધેરી, ઘાટકોપર સિવાય ટીટવાલામાં ય ગણપતિના પ્રસિઘ્ધ મંદિરો આવેલા છે. પણ આ જે સિઘ્ધિવિનાયકનું પ્રભાદેવી ખાતેનું મંદિર છે એની ઘણી વધારે મહિમા છે. અંગારિકાના દિવસે તો ક્યારેક આઠ થી દસ લાખ લોકો એક જ દિવસમાં સિઘ્ધિવિનાયકના દર્શને આવતા હોય છે. છેક સતારા, કોલ્હાપુર, નાંદેડ અને નાસિકથી લોકો ગણરાયાને ફૂલ ચઢાવવા મુંબઈ આવતા હોય છે.
મંગળવારે હોય અને જો એજ દિવસે ચોથ પણ હોય તો એને અંગારિકા કહેવાય છે. ચતુર્થી ગણપતિનો જન્મદિવસ (તિથી) ગણાય અને મંગળવાર એટલે ગણેશજીનો વાર, એમ જો તિથિ અને વાર બંને એક જ સાથે હોય એવો યોગ પણ વર્ષમાં ક્યારેક જ આવતો હોય છે. જોકે અંગારિકા ન હોય તો પણ દર મંગળવારે વહેલી સવારથી સિઘ્ધિવિનાયકના દર્શને ભક્તોની ભીડ તો જામે જ છે. પરોઢિયે ચાર- સવા ચાર વાગે મંદિરના મુખ્ય દ્વાર ખુલે એની પહેલા તો આખી રાત ફૂટપાથ પર લાંબી કતારમાં સેંકડો ભક્તો ઊભા રહી ગયા હોય છે. એક જમાનામાં મુંબઈના પોલીસ કમિશનર સોમણસાહેબ અને મુંબઈ હાઈકોર્ટના ન્યાયાધીશ પણ કતારમાં ઊભા રહેતા અને દેવદર્શન માટે પ્રતીક્ષા કરતા જોવા મળતા.
ફિલ્મ કલાકાર જિતેન્દ્રની પત્ની શોભા લગ્ન પહેલા તો એરહોસ્ટેસ હતી ત્યારે સિઘ્ધિવિનાયકના દર્શન કરવા ચોક્કસ આવતી. જાણીતા ગાયક પંડિત જસરાજ, દિગ્દર્શક વ્હી. શાંતારામ અને પાર્શ્વગાયિકા બહેનો લતા મંગેશકર તથા આશા ભોંસલેના નામ પણ સિઘ્ધિવિનાયકના કાયમી ભક્તોની યાદીમાં લેવાતા હતા. કુલી ફિલ્મના શૂટીંગમાં જયારે અમિતાભ ગંભીર રીતે જખ્મી થયા હતા એ પછી જીવનમરણ વચ્ચે ઝોલા ખાતા હતા તો એમની પત્ની જયા બચ્ચન ઉઘાડે પગે સિઘ્ધિવિનાયકના દર્શને આવતી હતી.
જો કોઈ કલાકો સુધી ઊભા રહી દર્શન કરવા જેટલો સમય ના ફાળવી શકતું હોય તો એવા અન્ય હજારો શ્રઘ્ધાળુઓ નજીકથી પસાર થતા વાહનમાં બેઠાં બેઠાં જ પોતાના હૃદયને હાથ અડાડીને મનોમન ગણપતિને યાદ કરી લે અને નમન કરી લેતા હોય છે.
અહીંયા એવા લોકો આવે છે અને ભગવાન પાસે માથું ટેકવીને શું માગે છે એ તો પ્રશ્ન જ પૂછવા જેવો નહીં. અહીંયા સારો વર, ઘર, કાર, પરીક્ષામાં સારા માકર્સ, નોકરીમાં બઢતી, વેપારમાં બરકત, બીમારીથી છુટકારો, સંતાન સુખ જેવી અગણિત માગણીઓ સાથે વિનાયકજીના દર્શને ભક્તો આવતા હોય છે.
અહીંયા સિઘ્ધિવિનાયકની ભડક કેસરી કલરની મૂર્તિની એક વિશિષ્ટતા એ છે કે એમાં ગણપતિ બાપાની સૂંઢ જમણી બાજુએ વળેલી છે. કોઈ ગણપતિની સૂંઢ જમણી બાજુ વળેલી હોય એવા ગણપતિ બહુ જ ઓછા જોવા મળે છે. જો કોઇના સ્થાનકમાં કે ઘરમાં જમણી સૂંઢવાળા ગણપતિનું સ્થાપન હોય છે તો એ જગ્યા ખુબજ મંગલમય ગણાય છે. પણ એવી મૂર્તિનું પૂજન યોગ્ય રીતે થવું જોઈએ એ પણ એક માન્યતા છે. સિઘ્ધિવિનાયકના દર્શને શ્રઘ્ધાળુઓના જે ટોળે ટોળાં ઉમટે છે તે આ જમણી સૂંઢવાળા ગણપતિના પ્રતાપે જ!
આ સિઘ્ધિવિનાયકની મૂર્તિ અને સમસ્ત ગર્ભગૃહ એટલું સુંદર, દૈદિપ્યમાન લાગતું હોય છે કે એવું થાય બસ બેઘડી એને જોતાં જ રહીએ. ગણપતિબાપા પર ઘ્યાન કેન્દ્રિત કરી થોડી પળો આંખો બંધ કરી ભગવાનનું સ્મરણ કરીએ ત્યાં તો તરત જ સિક્યુરીટીવાળા કે સ્વયંસેવક તમને કહેશે ચાલો , દૂર ખસો, હવે બીજાનો વારો છે… સિઘ્ધિવિનાયકના ધરાઈને દર્શન કરવાની ઈચ્છા તો દરેકની મનમાં જ રહી જાય.
છેલ્લાં પાંચેક વર્ષથી તો હવે આ મંદિરમાં નવું જોવા મળે છે , મંદિરના ગર્ભાગૃહમાં તેમજ પરિસરમાં જગાની થોડી છૂટ થઈ છે. વ્યવસ્થાપકોએ મંદિરને જે મબલખ આવક થાય એમાંથી અહીંયા સુવિધા વધારવા પાછળ લખલૂટ ખર્ચ કર્યો છે. આ મંદિરના ભંડારામાં ભક્તોએ દાન કરેલા સોનામાંથી સિઘ્ધિવિનાયકની મૂર્તિ ફરતે સુશોભિત ફ્રેમ પણ બનાવડાવવામાં આવી છે. અહીંયા વિનાયકજીના મુગટ પર હીરા જડેલા છે અને મૂર્તિના બધા જ આભૂષણો પણ સોના ચાંદીના જ છે.
સિઘ્ધિવિનાયક ભગવાનની સમૃઘ્ધિ અને પ્રસિઘ્ધિ વધે છે એવી રીતે જ એના ભક્તોની સંખ્યામાં પણ ઉત્તરો ઉત્તર વધારો જ થઇ રહ્યો છે. જેના લીધે મંદિરને વર્ષે કરોડો રૂપિયાની આવક થાય છે. સિઘ્ધિવિનાયક સંસ્થાન રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે એટલે બેન્ક આ જમા થાપણ પર બીજા કરતાં દોઢ ટકો વ્યાજ પણ વધારે ચૂકવે છે.એ રીતે આ મંદિરની વ્યાજની આવક જ વર્ષે પોણા બે કરોડ રૂપિયાની આસપાસ થાય છે!
પછી એવુંય કે ભારતમાં સિઘ્ધિવિનાયકનું આ એક જ મંદિર છે. ભારતમાં આવા કુલ આઠ મંદિરો આવેલા છે. આ દેવતાનો ઉલ્લેખ તો પુરાણોમાં પણ થયેલો છે, પણ પ્રભાવતી દેવીના મંદિરનું માહાત્મય એક સમયે વધારે હતું અને એટલે જ સિઘ્ધિવિનાયક મંદિર વર્ષો સુધી પ્રકાશમાં આવ્યું નહીં. ગેઝેટિયર ઓફ બોમ્બેમાં એવો ઉલ્લેખ જોવા મળે છે કે રાજા ભીમદેવે માહિકાપુરી (આજના માહિમ)ની સ્થાપના પછી વરલી ગામમાં પ્રભાવતી માતાનું મંદિર બનાવ્યું અને સમય જતાં આ વિસ્તાર પ્રભાદેવીના નામે ઓળખાયો.
જો સિઘ્ધિવિનાયક મંદિરનો ઈતિહાસ આપણે ઉખેળવા બેસીએ તો કંઈ કેટલીય દંતકથા, કિવદંતીઓ જાણવા અને સાંભળવા મળે. આજે જ્યાં મંદિર અને આસપાસમાં મોટું, સ્વચ્છ, પરિસર છે તે સ્થળે એક સમયે તાડના ઝાડના ઝૂંડ હતાં. મંદિરની બરાબર સામે એક તળાવ હતું. અગરી કોમના પાટીલ પરિવારની માલિકીની આ જગ્યા પાટીલવાડી તરીકે ઓળખાતી. આ મંદિર દેવુબાઈ પાટીલ નામની મહિલાએ બસ્સો વરસ પહેલાં બંધાવ્યું હતું.
એવું કહેવાય છે કે દેવુબાઈએ એવી માનતા રાખી હતી કે જો એમને પુત્રજન્મ થશે તો ગણપતિબાપાનું મંદિર બનાવશે. પણ એમનું સ્વપ્ન સાકાર થાય એ પહેલા જ એમના પતિનું અવસાન થયું. તેમ છતાં ગણેશજીમાં અપાર શ્રઘ્ધા ધરાવનારી દેવુબાઈએ હિંમત હારી નહીં. પ્રભુને ગમ્યું એ ખરું એવું માનીને તેણે ઘરમાં જમણી સૂંઢવાળા ગણપતિની છબી હતી તે મૂર્તિકારને બતાવી એવી જ મૂર્તિ ઘડવા કહ્યું અને પોતાના ઘર નજીક જ નાનું એવું મંદિર ઊભું કર્યું.
જો મૂર્તિની વાત કરીયે તો એ આજે એની એ જ છે પરંતુ બાકીના આખા મંદિરની સિકલ સાવ બદલાઈ ગઈ છે. સિઘ્ધિવિનાયકની અઢી ફૂટ ઊંચી મૂર્તિ કાળા પથ્થરમાંથી કોતરી કાઢેલી છે. માથે સોનાનો મુગટ છે. ગળામાં સર્પની માળા પહેરીને બેઠેલા ગણેશજીની બંને બાજુ રિઘ્ધિ સિઘ્ધિ બિરાજેલા છે. રેશમી અબોટિયા કે પંચિયું પહેરીને પૂજા કરવા આવતા ચુસ્ત મરાઠી બ્રાહ્મણો પણ તમને મોટી સંખ્યામાં જોવા મળે જ છે.
ગણપતિને જાસવંતીના ફૂલો ચઢાવવાનો અનેરો મહિમા રહેલો છે. લાલ- કેસરી રંગના ફૂલોની માળા કે છૂંટા ફુલો, દુર્વા ભરેલી છાબડી વેંચીને પ્રભાદેવીમાં જે સો- દોઢસો ફુલવાળીઓ પેટિયું રળી લેયા હોય એ પણ મનમાં ને મનમાં તો ગણરાયાના જ ગુણ ગાવાના છે! કેટલાંક સુખી સમૃઘ્ધ ભક્તો તો અહીંયા ગણપતિદાદાને ચાંદી કે સોનાના તાર (દુર્વા તરીકે) અથવા સોના ચાંદીના નાના મુગટ પણ ચઢાવે છે. સાચા હીરા મંદિરની દાનપેટીમાં ગુપચુપ પધરાવી જનારા શ્રીમંતો ય અહીંયા આવતા હોય છે અને મંગળવારની આખા દિવસની કમાણી ભગવાનના ચરણોમાં ધરાવી જતાં હોય એવા નોકરિયાતો, ટેક્સી ડ્રાઈવરો, બસ કન્ડકટરો પણ અહીંયા પુરા ભક્તિભાવ સાથે આવતા હોય છે.
સિઘ્ધિવિનાયકના આખા દેવસ્થાનનો વહીવટ સરકાર હસ્તક જ છે. પંઢરપુર દેવસ્થાનની જેમ સિઘ્ધિવિનાયક મંદિરના સંચાલન માટે મહારાષ્ટ્ર સરકારે એક અલગ જ કાયદો ઘડયો છે અને આ મંદિરના ટ્રસ્ટીઓ તથા સંચાલકની નિમણુંક પણ મહારાષ્ટ્ર સરકાર પોતે જ કરે છે.
આવા સમૃઘ્ધ મંદિરના સંચાલનમાં સરકારનો હસ્તક્ષેપ શા માટે? આ પ્રશ્ન પાછળ જૂનો ઝઘડો કારણભૂત બન્યો હતો. ૧૯૩૬માં મંદિર અને આજુબાજુની સ્થાવર જંગમ મિલકતના પ્રશ્ને પાટીલ પરિવારમાં ફાટફૂટ પડી હતી. ઉત્તર પ્રદેશથી હિજરત કરી આવેલા અનેક ભૈયાઓએ પણ પાટીલવાડીની ઘણી જમીન પચાવી પાડી હતી, અને પછી તો આખો મામલો કોર્ટમાં ગયો હતો.આ મંદિરનું સાર્વજનિક સ્વરૂપ ઘ્યાનમાં લઈને હાઈકોર્ટે સિઘ્ધિવિનાયક મંદિરનો કારભાર પોતાને હસ્તક લઈ લેવા સરકારને આદેશ આપ્યો હતો.
એ પછી તો પાંચ દાયકામાં સિઘ્ધિવિનાયકની ખ્યાતિ પણ ઘણી જ વધી ગઈ છે. આ જમણી સૂંઢવાળા ગણપતિના મહાપ્રતાપની વાતો તો દૂર દૂર પ્રસરી ગઈ છે. આ સિઘ્ધિવિનાયકની મૂર્તિની બરાબર સામે જ તમને ચાંદીનો મુષક બેસાડેલો જોવા મળે છે. ગણપતિના આ વાહનનું દાન અખાત દેશમાં રહેતા એક હિન્દુ વેપારી ભાઈએ આપ્યું હતું.
ઈ.સ. ૧૬૭૭ની આસપાસમાં બંધાયેલા સિઘ્ધિવિનાયકના મૂળ મંદિરના સ્થાને આજે તો પ્રાચીન તેમજ અર્વાચીન શૈલીના મિશ્રણ સમી એક બેનમૂન કલાકૃતિ ખડી છે. ૧૧૨ ફુટની ઊંચાઈ ધરાવતું એક વત્તા ચાર માળનું મંદિરનું મકાન સાવ અલગ જ ભાત પાડે છે. અષ્ટકોણીય ધુમ્મટવાળા આ કલાત્મક મકાનના ભોંયતળિયે ૧૦૪ ચોરસ મીટરનો ખાસ સ્ટ્રોંગરૂમ બાંધવામાં આવેલો છે અને એમાં મંદિરને જે આવક થાય એ અને સોના, ચાંદીની જણસ સાચવીને રાખવામાં આવેલી છે.
આ મંદિરની ઉપરના અન્ય માળે પ્રસાદ બનાવવાનું રસોડું, ગીતા પાઠશાળા, લાયબ્રેરી, ગણેશ વિદ્યાપીઠ, શ્રીગણેશ મ્યુઝિયમ, જ્ઞાનપીઠ સમારોહ હોલ વગેરેની સુવિધા પણ રાખવામાં આવેલી છે. ગણેશજીના માથા પર કોઈનો પગ ના આવે એટલે ભોંયતળિયાથી મકાનની ટોચ સુધી આ જગ્યા એકદમ ખાલી જ રખાઈ છે.
આ મંદિરનું માહાત્મ્ય સમજવાની એક નાની પુસ્તિકામાં સિઘ્ધિવિનાયકની માનતા કેવી રાખવી એના વિષે લખેલ છે કે તમે કેટલાક કામ પાર પાડવા ઈચ્છતા હોવ તો એના વિષેની જાણ ભગવાનને કરો અને પછી જયારે પ્રયત્ન સફળ થાય, કામ પૂરું થઈ જાય એટલે સિઘ્ધદેવીના પતિ એવા વિનાયક પ્રતિ તમારો અહોભાવ જરૂરથી પ્રગટ કરો એટલે અરસપરસનું આદાન-પ્રદાન થઈ ગયું છે એવું ગણાશે. જોકે કેટલાક લોકો માનતા માને ત્યારે અને જયારે કામ સફળ થાય પછી પણ સહસ્ર મોદક (હજાર લાડુ) સિઘ્ધિવિનાયકને અર્પણ કરતા હોય છે.
જયારે દર્શન કરીને મંદિરની બહાર નીકળ્યા બાદ પણ પુરી રીતે ના ધરાયા હોય એવી રીતે ઘણા ભક્તો વળી વળીને મંદિર તરફ નજર કરી નમન કરતા જોવા મળે છે. આ પ્રવેશદ્વારની આજુબાજુના તોરણનો ફરી ફરી સ્પર્શ કર્યા બાદ ધન્ય થઈ ગયા હોય એવી લાગણી સાથે મંદિરેથી વિદાય લે છે. આ બધું જોઈને ઘણાંને તો હસવું પણ આવતું હશે. એવી ચેષ્ટામાં શ્રઘ્ધાનો અતિરેક વર્તાતો હશે. પણ એક નક્કર વાસ્તવિકતા તો એ છે કે આવા શ્રઘ્ધાળુઓ, સિઘ્ધિવિનાયકના પરમ ભક્તોની સંખ્યામાં ઉત્તરો ઉત્તર વધારો જ થઇ રહ્યો છે અને થતો પણ રહેશે જ.
તો સત સત નમન આપણા સૌના સિઘ્ધિવિનાયક દેવને..
Source link —> jobaka.in