શું તમે જાણો છો મહાદેવના 19 અવતારો ની પૌરાણિક કથા વિશે ?

પૃથ્વી પર ભગવાન અવતાર ધારણ કરે છે કયારેક ભગવાન સીધા જ અવતાર ધારણ કરે છે તો ક્યારેક તેઓ રૂપ બદલીને પણ અવતાર ધારણ કરતા હોય છે. જયારે ભગવાન બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી તો એમાં સજીવો ઉત્પ્પન્ન થયાં એ પહેલેથી જ પૃથ્વી તો હતી જ પરંતુ એમાં સજીવો હતાં નહિ. પૃથ્વી તો બ્રહ્માંડ સાથે જોડાયેલી જ છે અને એમાં પ્રલયો કે અન્ય કોઈ કુદરતો આફતો અમુક અમુક વર્ષોનાં અંતરે આવતી જ રહેતી હોય છે પરંતુ ક્યારેય પૃથ્વીનો સંપૂર્ણ વિનાશ નથી થયો. કદાચ થયો પણ હોય તો આપણે કોઈએ જોયો નથી જ પરંતુ આપણે અહીંયા રહીએ છીએ અને આખું જગત અહીં જ વસે છે માટે જ એ અહીંયા જ હતી એવું જ મનાય. આપણે જેને પૃથ્વી ગ્રહ કહીએ છીએ. એ ગ્રહ તો કોઈ દિવસ નષ્ટ થાય જ નહિ ને !!!

આ સજીવો એ પણ ભગવાન બ્રહ્માજીની જ દેન છે. આપણી પૃથ્વી ઘણા લાખો વર્ષે નાશ પામતી હતી પરંતુ સંપૂર્ણ પણે નહીં એમાં જ્યાં મહાસાગર હતો ત્યાં પર્વતો આવી ગયાં અને જયાં પર્વતો હતાં ત્યાં મહાસાગરો બની ગયાં, રણ પણ બની ગયું ક્યારેક તો જયાં દરિયો હતો એ દૂર જતો રહ્યો. બસ આ પ્રકારની ઉથલપાથલો પહેલાંના સમયમાં બની હતી એ એટલું જ સાચું છે જેટલું સાચું છે આપણું અસ્તિત્વ. તે સમયે પણ ઝાડ -પાંદડાઓ પહાડો અને રણ પણ હતાં બધા જ પ્રાણીઓ સંપીને રહેતાં હતાં ત્યારબાદ ભગવાન બ્રહ્માજીએ માનવોનું સર્જન કર્યું. અને માનવોનો જન્મ થયો એટલે નાત-જાતનાં અને ભાતભાતનાં ઝગડાઓની પણ શરુઆત થઇ ગઈ. એમાં પણ દાનવોએ ઉત્પાત મચાવવાની શરૂઆત કરી અને એમાંથી દુષ્ટત્વ અને અનિષ્ટોએ જનમ લીધો.

માટે જ ભગવાનને આ સૃષ્ટિની સંરચના જાળવવા અને માનવજાતનાં કલ્યાણ માટે એક અવતાર નહીં પણ ઘણા અવતારો લેવાં પડયાં હતા. એ એટલા માટે કારણકે દુષ્ટત્વનો નાશ માનવો દ્વારા થઇ શકતો નહોતો. સૂર અને અસૂરોનો ઝગડો વધી જ રહ્યો હતો. આ અસૂરોને ખતમ કરવાં જ ભગવાને અવતારો લેવાં પડયાં હતાં !!! ભગવાન બ્રહ્માજીએ મન્વન્તરોની રચના કરી અને એમાંથી જન્મ લીધો માણસોએ. આવા તો કૈંક કેટલાંય મન્વન્તરો છે. મન્વન્તરો માણસો હોવાથી એમને માનવોની રચના કરવાનું ફાવે જ ફાવે પણ એનાં મૂળમાં તો છે ભગવાન બ્રહ્માજી.

વેદોની રચના આપણા પૌરાણિક ગ્રંથોની પણ પહેલાં થયેલી છે. એમાં ઋગ્વેદમાં એક રુચા છે કે સૃષ્ટિની રચના થઇ એ પહેલાં. સત પણ નહતું અને અસત પણ નહોતું ને અંતરીક્ષ પણ નહોતું. આપણું બ્રહ્માંડ એ એક મોટાં બ્રહ્માંડનો એકદમ નાનકડો ભાગ છે અને એ બ્રહ્માંડ તો આપણી આકાશગંગાની પણ પેલે પાર છે. એનો અર્થ અતિસ્પષ્ટ છે કે સૃષ્ટિનું સર્જન થયું ત્યારે અને ત્યારે જ. એમ તો માનવોની ઉત્પત્તિને લીધે જ સત અને અસતનાં ઝગડાઓ શરુ થઈ ગયાં અને એના લીધે જ માનવોએ રચેલી સામજિક વ્યવસ્થાઓ પણ અસ્તવ્યસ્ત થઇ ગઈ. અનિષ્ટોએ તો સાવ માઝા જ મૂકી દીધી હતી. બ્રહ્માજી પણ કાળક્રમે સૃષ્ટિની સંરચના જળવાઈ રહે એના માટે અમુક વર્ણવ્યવસ્થામાં ફેરફાર કરતાં ગયાં.

એક જાતિ સમાપ્ત થાય તો બીજી જાતિનું નિર્માણ કરતાં ગયાં પણ તોય સંતુલન જળવાતું જ નહોતું એટલે ત્રિદેવ ભગવાન બ્રહ્માજી , ભગવાન વિષ્ણુ અને ભગવાન મહેશમાંથી ભગવાન વિષ્ણુ અને ભગવાન મહેશે અવતાર ધારણ કરવાં પડયાં હતાં. ભગવાન વિષ્ણુના દશાવતાર તો જગજાહેર છે પણ ભગવાન વિષ્ણુએ બીજાં ૨૪ અવતારો પણ લીધાં હતાં અને એમાં ભગવાન શંકર પણ કઈ રીતે પાછળ રહી જાય એમણે પણ 19 અવતારો લીધાં હતાં !!! તો ભગવાન શિવે કયા 19 અવતારો લીધાં હતાં એના વિષે આપણે આ લેખમાં માહિતી વિસ્તારથી મેળવીશું.

જો શિવ મહાપુરાણની વાત કરીયે તો એમાં ભગવાન શિવજીના ઘણા અવતારોનું વર્ણન જોવા મળે છે, પણ બહુ જ ઓછાં લોકોને આ અવતારો વિષે માહિતી છે. ધર્મ ગ્રંથો પ્રમાણે ભગવાન શંકરના ૧૯ અવતાર લીધા હતાં !!!

પ્રથમ અવતાર – વીરભદ્ર અવતાર

ભગવાન શિવજીનો આ અવતાર થયો થયો હતો જ્યારે દક્ષે આયોજિત કરેલા યજ્ઞમાં માતા સતી એ પોતાનો દેહ ત્યાગી દીધો હતો અને જયારે ભગવાન શિવજીને આ વાતની ખબર પડી તો એમણે ક્રોધમાં આવીને પોતાના માથાં પરથી જટા ઉખાડી અને એને રોષપૂર્વક એક પર્વત પર પટકી દીધી. એ જટાનાં પુર્વભાગમાંથી મહા ભયંકર વીરભદ્ર પ્રગટ થયાં. ભગવાન શિવજીનાં આ વીરભદ્ર અવતારે દક્ષનાં યજ્ઞનો વિદ્વંસ કરી દીધો અને દક્ષનું માથું કાપી નાંખીને એને મૃત્યુ દંડ આપ્યો !!! વીરભદ્ર પર બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. એમણે એ પાપમાંથી મુક્તિ મેળવવાં એક જગ્યાએ આવીને વર્ષો સુધી તપસ્યા કરી.એ જ સ્થળે એમણે એક શિવલિંગની સ્થાપના કરી અને એ જગ્યાએ ભગવાન શિવજીએ પ્રગટ થઈને એમને પાપમાંથી મુક્ત કર્યા અને એ જ સ્થળને એમણે પોતાનું નામ પણ આપ્યું શું તમને ખબર છે એ કઈ જગ્યા છે ? વિજયનગર પોળો ફોરેસ્ટ સ્થિત વિરેશ્વર મહાદેવ !!!

દ્વિતીય અવતાર – પિપ્પલાદ અવતાર

માનવજીવનમાં ભગવાન શિવજીનાં આ પિપ્પલાદ અવતારનું ખાસ મહત્વ રહેલું છે. શનિદેવની પીડાનું નિવારણ આ ભગવાન શિવજીના અવતાર પિપ્પલાદની કૃપાથી જ શક્ય બન્યું હતું. એની કથા એવી છે કે ——

પિપ્પલાદે દેવતાઓને એવું પૂછ્યું કે —-

એવું તો શું કારણ છે કે મારાં પિતા દધીચિ જન્મથી પૂર્વે મને છોડીને ચાલ્યાં ગયાં ? દેવતાગણે એના જવાબમાં જણાવ્યું કે શનીગ્રહની દ્રષ્ટિને લીધે આવો કુયોગ બન્યો હતો. પિપ્પલાદ આ સાંભળીને ખુબ જ ક્રોધિત થઇ ગયાં. એમણે શનિદેવને નક્ષત્ર મંડળમાંથી પડવાનો શ્રાપ આપ્યો. શ્રાપના પ્રભાવથી શનિદેવ એ જ સમયે આકાશમાંથી પડવાં લાગ્યાં. દેવતાઓની પ્રાર્થના કરવાંથી પિપ્પલાદે શનિદેવને એ વાતે માફ કર્યા કે શનિ જન્મથી લઈને ૧૬ વર્ષની આયુ સુધી કોઈને નષ્ટ અહીં આપે. બસ એ પછીથી જ પિપ્પલાદનાં સ્મરણ માત્રથી શનિદેવની પીડા દૂર થઇ જાય છે. શિવ મહાપુરાણ પ્રમાણે સ્વયં ભગવાન બ્રહ્માજીએ આ અવતારનું નામકરણ કર્યું હતું

તૃતીય અવતાર – નંદી અવતાર

ભગવાન શંકરજી બધાં જીવોનું પ્રતિનિધિત્વ કરે છે. ભગવાન શંકરનો નંદીશ્વર અવતાર પણ એ જ વાતનું અનુસરણ કરે છે કે બધાં જીવમાત્રને પ્રેમ સંદેશ આપે છે. નંદી (બળદ) કર્મનું પ્રતિક છે. અને એનો અર્થ થાય છે કર્મ એ જ જીવનનો મૂળ મંત્ર છે. આ અવતારની કથા આ મુજબ છે ——

શિલાદ મુનિ બ્રહ્મચારી હતાં. વંશ સમાપ્ત થઇ રહ્યો હતો એ જોઇને પિતાએ શીલાદને સંતાન પેદા કરવાનું કહ્યું. શિલાદે અયોનિજ અને મૃત્યુહીન સંતાનની કામનાથી ભગવાન શિવની તપસ્યા કરી તો ભગવાન શંકરજીએ સ્વયં શીલાદને ત્યાં પુત્રનાં રૂપમાં જન્મ લેવાનું વરદાન – વચન આપ્યું. થોડાં સમય બાદ ધરતી ખેડતાં ખેડતાં શિલાદને ધરતીમાંથી જન્મેલું એક બાળક મળ્યું. શિલાદે એનું નામ નંદી રાખ્યું. ભગવાન શંકરે નંદીને પોતાનો ગણાધ્યક્ષ બનાવ્યા. આ પ્રમાણે નંદી નંદીશ્વર બની ગયાં. મરુતોની પુત્રી સુયશા સાથે નંદીનો વિવાહ થયો હતો !!!

ચતુર્થ અવતાર – ભૈરવ અવતાર

શિવ મહાપુરાણમાં ભૈરવને પરમાત્મા શંકરનું પૂર્ણ રૂપ બતાવવામાં આવ્યા છે. એક વખત ભગવાન શંકરની માયાથી પ્રભાવિત થઈને ભગવાન બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ સ્વયંને શ્રેષ્ઠ માનવાં માંડ્યા તો ત્યાં એ તેજપુંજની મધ્યમાં એક પુરૂષાકૃતિ દેખાઈ પડી અને એ જોઇને ભગવાન બ્રહ્માજીએ કહ્યું —-
ચન્દ્રશેખર તમે મારાં પુત્ર છો. અતઃ મારી શરણમાં આવો

ભગવાન બ્રહ્માજી આવી વાત સંભાળીને ભગવાન શંકરને ક્રોધ આવી ગયો અને એમણે એ પુરૂષાકૃતિને કહ્યું કે —- કાલની ભાંતિ શોભિત હોવાને લીધે તમે સાક્ષાત કાલરાજ છો, ભીષણ હોવાનાં લીધે જ તમે ભૈરવ છો, ભગવાન શંકર પાસે આ બધાં વરદાન મેળવીને કાળભૈરવે પોતાની આંગળીનાં નખથી ભગવાન બ્રહ્માજીનું પાંચમું માથું કાપી નાંખ્યું. ભગવાન બ્રહ્માજીનું પાંચમું માથું કાપી નાંખવાને લીધે ભૈરવ બ્રહ્મહત્યાના પાપથી દોષિત થઇ ગયાં. કાશીમાં ભૈરવને બ્રહ્મહત્યાનાં પાપમાંથી મુક્તિ મળી. કાશીવાસીઓ માટે ભૈરવની ભક્તિ અનિવાર્ય બતાવાઈ ગઈ છે !!!

પંચમ અવતાર – અશ્વત્થામા

મહાભારત પ્રમાણે પાંડવોનાં ગુરુ દ્રોણાચાર્યનાં પુત્ર અશ્વત્થામા કાલ, ક્રોધ,યમ અને ભગવાન શંકરનાં અંશાવતાર હતાં. આચાર્ય દ્રોણે ભગવાન શંકરને પુત્ર રૂપમાં પામવાં માટે ઘોર તપસ્યા કરી હતી. આનાથી ભગવાન શંકરે એમણે વરદાન આપ્યું હતું કે એમનાં પુત્રનાં રૂપમાં તેઓ અવતીર્ણ થશે !!! સમય આવ્યો એટલે સવન્તિક રુદ્રએ પોતાનાં અંશથી દ્રોણનાં પુત્ર અશ્વત્થામનાં રૂપમાં અવતાર લીધો. એવી માન્યતા છે કે અશ્વત્થામા અમર છે અને આજે પણ ધરતી પર નિવાસ કરે છે. શિવ મહાપુરાણ (શતરુદ્રસંહિતા -૩૭) પ્રમાણે અશ્વત્થામા આજે પણ જીવિત છે અને એ ગંગા કિનારે નિવાસ કરે છે પણ કઈ જગ્યાએ એમનો નિવાસ છે એ નથી જણાવવામાં આવેલું !!!

છઠ્ઠો અવતાર – શરભાવતાર

ભગવાન શંકરજીનો છઠ્ઠો અવતાર છે શરભાવતાર. શરભાવતારમાં ભગવાન શંકરનું સ્વરૂપ અડધાં મૃગ(હરણ) તથા શેષ શરભ પક્ષી (પુરાણોમાં વર્ણિત આઠ પગવાળું જંતુ જે સિંહથી પણ વધારે શક્તિશાળી)નું હતું. આ અવતારમાં ભગવાન શંકરે ભગવાન નરસિંહનાં ક્રોધાગ્નિને શાંત કર્યો હતો. લિંગ પુરાણમાં ભગવાન શિવજીનાં શરભાવતારની કથા જણાવેલી છે. એ કથા પ્રમાણે ——- હિરણ્યકશિપુનો વધ કરવા માટે ભગવાન વિષ્ણુએ નૃસિંહાવતાર ધારણ કર્યો હતો. હિરણ્યકશિપુનાં વધ પછી પણ જ્યારે ભગવાન નરસિંહનો ક્રોધ શાંત ના થયો તો દેવતાઓ ભગવાન શિવજી પાસે પહોંચી ગયા અને ભગવાન શંકરે શરભાવતાર લીધો અને તેઓ આજ રૂપમાં ભગવાન નરસિંહ પાસે ગયા અને એમની સ્તુતિ કરી !!! તેમ છતાં ભગવાન નરસિંહનો ક્રોધાગ્નિ શાંત થયો જ નહિ , એ બધું જોઇને શરભરૂપી ભગવાન શિવ પોતાની પૂંછડીથી ભગવાન નરસિંહને લપેટી લઈને ઉડયાં. એમણે શરભાવતારની ક્ષમા યાચના કરી અને ખુબ જ વિનમ્ર ભાવે એમની સ્તુતિ કરી !!!

સપ્તમ અવતાર – ગૃહપતિ અવતાર

આ ભગવાન શંકરનો સાતમો અવતાર છે. આ અવતારની કથા કંઈક આ પ્રકારે છે. નર્મદાનાં તટ પર ધર્મપુર નામનું એક નગર હતું ત્યાં વિશ્વાનર નામનાં એક મુનિ તથા એમની પત્ની શુચિષ્મતી રહેતાં હતાં. શુચિષ્મતીને ઘણા લાંબા સમય સુધી નિસંતાન રહેવાના લીધે એક દિવસ એણે પોતાનાં પતિ પાસે ભગવાન શિવજી સમાન પુત્રપ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરી. પત્નીની આ અભિલાષા પૂર્ણ કરવાં માટે વિશ્વાનર કાશી આવ્યા. અહીંયા એમણે ઘોર તપથી ભગવાન શિવનાં વીરેશ લીંગની સ્થાપના કરી અને ત્યારબાદ એની આરાધના શરુ કરી. એક દિવસ આ મુનિને વીરેશ લિંગની મધ્યમાં એક બાળક દેખાયો. મુનિએ આ બાળરૂપધારી ભગવાન શિવની પૂજા કરી અને એમની પૂજાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે શુચિષ્મતિનાં ગર્ભમાંથી અવતાર લેવાનું વરદાન આપ્યું. કાલાંતરમાં શુચિષ્મતિ ગર્ભવતી બની અને ભગવાન શુચિષ્મતીનાં ગર્ભમાંથી પુત્રરૂપે પ્રકટ થયાં. એવું કહેવાય છે કે પિતામહ ભગવાન બ્રહ્માજીએ આ બાળકનું નામ ગૃહપતિ રાખ્યું હતું !!!

અષ્ટમ અવતાર – ઋષિ દુર્વાસા

ભગવાન શંકરનાં વિભિન્ન અવતારોમાં ઋષિ દુર્વાસા અવતાર પણ પ્રમુખ અવતાર છે. ધર્મ ગ્રંથો પ્રમાણે વાત કરીયે તો સતી અનુસુયાનાં પતિ મહર્ષિ અત્રિએ ભગવાન બ્રહ્માજીનાં નિર્દેશ પ્રમાણે પત્ની સહિત રુક્ષકુલ પર્વત પર પુત્રકામનાથી ઘોર તપ કર્યું. એમનાં તપથી પ્રસન્ન થઈને ભગવાન બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ અને ભગવાન મહેશ એ ત્રણે એમનાં આશ્રમમાં આવ્યાં . એમણે એવું કીધું કે —– અમારાં અંશથી તમે ત્રણ પુત્રોની પ્રાપ્તિ કરશો જેઓ ત્રિલોકમાં વિખ્યાત થશે અને માતા -પિતાનાં યશ કીર્તિ વધારનારાં થશે. સમય આવ્યો એટલે ભગવાન બ્રહ્માજીનાં અંશથી ચંદ્રમા પેદા થયાં. ભગવાન વિષ્ણુનાં અંશથી શ્રેષ્ઠ સન્યાસ પદ્ધતિને પ્રચલિત કરનાર ભગવાન દત્તાત્રેય જન્મ્યાં અને રુદ્રનાં અંશથી મુનિવર દુર્વાસાએ જન્મ ધારણ કર્યો !!!

નવમો અવતાર – ભગવાન હનુમાનજી અવતાર

ભગવાન શિવજીનો આ ભગવાન હનુમાનજી અવતાર એમનાં બધાં જ અવતારોમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવેલો છે. આ અવતારમાં ભગવાન શંકરે એક વાનરનું રૂપ ધારણ કર્યું હતું. શિવ મહાપુરાણ પ્રમાણે દેવતાઓ અને દાનવો વચ્ચે અમૃતની વહેંચણીની વાતે ઘણો મોટો ઝગડો થયો હતો અને વાત છેક લડાઈ સુધી પહોંચી ગઈ હતી અને માટે જ ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું. એ જોઇને ભગવાન શંકરે લીલાવશ થઈને કામાતુર થઈને પોતાનો વીર્યપાત કરી દીધો !!! સપ્તર્ષિઓએ આ વીર્યને કેટલાંક પાંદડાઓમાં સંગ્રહિત કરી દીધું. સમય આવ્યે આ સપ્તર્ષિઓએ ભગવાન શિવજીના આ વીર્યને વાનરરાજ કેસરીની પત્ની અંજનીના કાનના માધ્યમે એનાં ગર્ભમાં પ્રસ્થાપિત કરી દીધું. અને એનાથી અત્યંત તેજસ્વી અને પ્રબળ પરાક્રમી ભગવાન શ્રી હનુમાનજીનો જન્મ થયો !!!

દસમ અવતાર – વૃષભ અવતાર

ભગવાન શંકરે એક ખાસ પરિસ્થિતિઓમાં વૃષભ અવતાર લીધો હતો. આ અવતારમાં ભગવાન શંકરે ભગવાન વિષ્ણુનાં પુત્રોનો સંહાર કર્યો હતો !!! ધર્મ ગ્રંથો પ્રમાણે વાત કરીયે તો જ્યારે ભગવાન વિષ્ણુ દૈત્યોને મારવાં માટે પાતાળલોકમાં ગયાં તો ત્યાં એમને ઘણી બધી ચંદ્રમુખી સ્ત્રીઓ દેખાઈ. ભગવાન વિષ્ણુએ એમની સાથે પ્રણયફાગ ખેલીને ઘણા બધાં પુત્રોને જન્મ આપ્યો. ભગવાન વિષ્ણુનાં આ પુત્રો એ પાતાળલોકથી માંડીને પૃથ્વીલોક સુધી ખુબ જ વધુ ઉપદ્રવ ફેલાવ્યો. એનાથી ગભરાઈને ભગવાન બ્રહ્માજી ઋષિમુનિઓને લઈને ભગવાન શિવજી પાસે ગયાં અને એમની રક્ષા કરવા માટે પ્રાર્થના કરવાં માંડ્યા. તો ભગવાન શંકરે વૃષભ રૂપ ધારણ કર્યો અને ભગવાન વિષ્ણુનાં આ પુત્રોનો સંહાર કર્યો હતો !!!

અગિયારમો અવતાર – યતિનાથ અવતાર

ભગવાન શંકરે યતિનાથ અવતાર ધારણ કરીને અતિથિનાં મહત્વનું પ્રતિપાદન કર્યું હતું. એમણે આ અવતારમાં અતિથિ બનીને ભીલ દંપતીની પરીક્ષા કરી હતી. જેનાથી આ ભીલ દંપતિએ પોતાનાં પ્રાણ ગુમાવવાં પડયાં હતાં !!! ધર્મ ગ્રંથો પ્રમાણે અર્બુદાચલ પર્વતની સમીપ શિવભક્ત આહુક -આહુકા ભીલ દંપતિ રહેતાં હતાં. એક વખત ભગવાન શંકર યતિનાથનાં વેશમાં એમનાં ઘરે આવ્યાં . ત્યારે એમણે આ ભીલ દંપતિનાં ઘરમાં રાત વિતાવવા માટેની ઈચ્છા જણાવી. આહુકાએ પોતાનાં પતિને ગૃહસ્થીની મર્યાદાનું સ્મરણ કરાવતાં એણે સ્વયં ધનુષબાન લઈને બહાર રાત વિતાવવાની અને યતિને ઘરમાં વિશ્રામ કરવા દેવાનો પ્રસ્તાવ મુક્યો !!! એ પ્રમાણે આહુક ધનુષબાણ લઈને બહાર જતો રહ્યો. પ્રાતઃકાલ અહુકા અને યતિ જોવે છે કે વન્ય પ્રાણીઓએ એને મારી નાંખ્યો છે. એ જોઈને યતિનાથ ઘણા જ દુખી થયાં તો આહુકાએ એમને શાંત કરતાં કહ્યું કે આપ શોક ના કરશો. અતિથિ સેવામાં પ્રાણ ત્યાગવો એ પણ ધર્મ જ છે અને એનું પાલન કરીને અમે તો ખુબ જ ધન્ય થઇ ગયાં છીએ. આહુકા જયારે પોતાનાં પતિની ચિતાગ્નિમાં જલવા લાગી તો ભગવાન શિવજીએ એને દર્શન આપ્યા અને આગલા જન્મમાં પુનઃ પોતાનાં પતિને મળવાનું વરદાન પણ આપ્યું !!!

બારમો અવતાર – કૃષ્ણદર્શન અવતાર

ભગવાન શિવજીએ આ અવતારમાં યજ્ઞ આદિ ધાર્મિક કાર્યોનું ખાસ મહત્વ જણાવ્યું છે. આ રીતે આ અવતાર પૂર્ણતઃ ધર્મનું પ્રતિક સમાન છે !!! ધર્મ ગ્રંથો પ્રમાણે ઈશ્વાકુવંશીય શ્રાદ્ધદેવની નવમી પેઢીમાં રાજા નભગનો જન્મ થયો હતો. વિદ્યા અધ્યયન માટે ગુરુકુલ ગયેલાં નભગ જ્યારે ઘણાં દિવસો સુધી પાછાં ના આવ્યા તો એમનાં ભાઈઓએ રાજ્યનું વિભાજન કરીને પરસ્પરમાં વહેંચી લીધું . નભગને આ વાતની જયારે જાણ થઇ તો એ સીધાં પોતાનાં પિતા પાસે પહોંચ્યા. પિતાએ નભગને કહ્યું કે એ યજ્ઞ પારાયણ બ્રાહ્મણોનાં મોહને દુર કરીને એમનાં યજ્ઞને સંપન્ન કરીને એમનાં ધનને પ્રાપ્ત કરે ત્યારે નભગે યજ્ઞભૂમિમાં પહોંચીને વૈશ્ય દેવ સૂક્તનાં સ્પષ્ટ મંત્રોચ્ચાર દ્વારા યજ્ઞ સંપન્ન કરાવ્યો. અંગારિક બ્રાહ્મણ યજ્ઞ અવશિષ્ટ ધન નભગને આપીને સ્વર્ગમાં જતાં રહ્યાં બરોબર એજ સમયે ભગવાન શિવજીએ કૃષ્ણદર્શન રૂપમાં પ્રગટ થઈને બોલ્યાં કે ” અવશિષ્ટ ધન પર તો એમનો જ અધિકાર છે !!!” વાદવિવાદ વધતાં કૃષ્ણદર્શન રૂપધારી ભગવાન શિવજીએ પોતાનાં પિતાને જ આનો નિર્ણય કરવાં કહ્યું નભગનાં પૂછવાં પર શ્રાદ્ધદેવે કહ્યું કે —- ” આ મહાપુરુષ પોતે જ શંકર ભગવાન છે ……. યજ્ઞમાં અવશિષ્ટ વસ્તુઓ એમની જ છે !!!” પિતાની વાતોને માનીને રાજા નભગે ભગવાન શિવજીની સ્તુતિ કરી !!!

તેરમો અવતાર – અવધૂત અવતાર

ભગવાન શંકરે અવધૂત અવતાર લીધો અને દેવરાજ ઇન્દ્રનો અહંકાર ચકનાચુર કર્યો હતો. ધર્મ ગ્રંથો પ્રમાણે એક વાર એવું થયું કે બૃહસ્પતિ અને અન્ય દેવતાઓને સાથે લઈને દેવરાજ ઇન્દ્ર ભગવાન શંકરજીનાં દર્શન માટે કૈલાસ પર્વત પર ગયાં હતાં. તો દેવરાજ ઇન્દ્રની પરીક્ષા કરવાં માટે ભગવાન શંકરે અવધૂત સ્વરૂપ ધારણ કર્યો અને એમનો માર્ગ રોકી દીધો હતો. દેવરાજ ઇન્દ્રએ પુરુષને અવજ્ઞાપૂર્વક વારંવાર એમનો પરિચય પૂછ્યો તોય તેઓ મૌન જ રહ્યાં. એના પર કૃદ્ધ થઈને દેવરાજ ઇન્દ્રે જ્યારે અવધૂત પર પ્રહાર કરવાં માટે વજ્ર છોડયું તો એમનો હાથ જ સ્તંભિત થઇ ગયો અને એ ત્યાંથી જરાય હલ્યો પણ નહીં !!! એ દેખીને બૃહસ્પતિએ ભગવાન શિવજીને ઓળખી જઈને અવધૂતની બહુવિધિ સ્તુતિ કરી અને એનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવજીએ દેવરાજ ઇન્દ્રને ક્ષમાયાચના આપી !!!

ચૌદમો અવતાર – ભિક્ષુવર્ય અવતાર

ભગવાન શંકર તો દેવાધિદેવ છે. તેઓ સંસારમાં જન્મ લેતા દરેક સજીવોનાં જીવન રક્ષક પણ છે !!! ભગવાન શંકરજીનો ભિક્ષુવર્ય અવતાર પણ આપણને એ જ સંદેશ આપે છે. ધર્મ ગ્રંથો પ્રમાણે વિદર્ભ નરેશ સત્યરથને શત્રુઓએ મારી નાંખ્યા એમની ગર્ભવતી પત્નીએ છુપાઈને પોતાનાં પ્રાણ બચાવ્યાં. જયારે સમય આવ્યે એક પુત્રરત્નને જન્મ આપ્યો. તો રાણી જયારે જળ પીવાં માટે સરોવરમાં ગઈ તો ઘડિયાળે (મગરની એક જાત ) એણે પોતાનો આહાર બનાવી દીધી ત્યારે એ બાળક ભૂખ -પ્યાસથી તડપવા માંડ્યો અને એટલામાં તો ભગવાન શિવજીની પ્રેરણાથી એક ભિખારણ ત્યાં પહોંચી તો ભગવાન શિવજીએ ભિક્ષુકનું રૂપ ધારણ કર્યું અને એ ભિખારણને એ બાળકનો પરિચય આપ્યો અને એ બાળકનાં પાલન-પોષણનો નિર્દેશ આપ્યો સાથે એવું પણ કીધું કે આ બાળક વિદર્ભ નરેશ સત્યરથનો પુત્ર છે. એ બધું જણાવીને ભિક્ષુક રૂપધારી ભગવાન શિવજીએ એ ભિખારણને પોતાના વાસ્તવિક રૂપના પણ દર્શન કરાવ્યા. ભગવાન શિવજીનાં આદેશ પ્રમાણે એ ભિખારણેએ બાળકનું પાલનપોષણ કર્યું. જયારે મોટો થઈને એ બાળક ભગવાન શિવજીની કૃપાથી પોતાનાં દુશ્મનોને હરાવીને પુનઃ પોતાનું રાજ્ય મેળવવા માટે સમર્થ બન્યો !!!

પંદરમો અવતાર – સુરેશ્વર અવતાર

ભગવાન શિવજીનો આ સુરેશ્વર (ઇન્દ્ર) અવતાર ભક્તો પ્રતિ પ્રેમ ભાવનાને પ્રદર્શિત કરે છે. આ અવતારમાં ભગવાન શંકર એક નાનાં બાળક ઉપમન્યુની ભક્તિથી પ્રસન્ન થયા હતા અને એને પોતાની પરમ ભક્તિ અને અમરપદનું વરદાન આપ્યું. ધર્મ ગ્રંથો પ્રમાણે વ્યાઘ્રપદનો આ પુત્ર ઉપમન્યુ પોતાનાં મામાનાં ઘરે ઉછરતો હતો. એ હંમેશા દુધ પીવાની જ ઇચ્છાથી વ્યાકુળ રહેતો અને એની માતાએ એની અભિલાષા પૂર્ણ કરવાં માટે ભગવાન શિવજીની શરણમાં જવાનું કીધુ. એનાથી પ્રેરિત થઈને ઉપમન્યુ વનમાં ગયા અને ઓમ નમઃ શિવાયનો જાપ કરવાં માંડ્યા. ભગવાન શિવજીએ આ સુરેશ્વર (ઇન્દ્ર)નું રૂપ ધારણ કર્યું અને એને દર્શન આપ્યા અને ભગવાન શિવજીની અલગ અલગ રીતે નિંદા કરી. એના પર ઉપમન્યુ ક્રોધિત થઈ ગયા અને ઇન્દ્રને મારવાં માટે ઉભા થઈ ગયાં. ઉપમન્યુને પોતાનામાં દ્રઢ શક્તિ અને અટલ વિશ્વાસ જોઇને ભગવાન શિવજી પોતાનાં વાસ્તવિક રૂપનાં દર્શન કરાવ્યાં તથા ક્ષીરસાગર સમાન એક અનશ્વર સાગર એને પ્રદાન કર્યું. એમની પ્રાથના કરવાંથી પરમ કૃપાળુ ભગવાન શિવજીએ એને પરમ ભક્તનું પદ પણ આપ્યું !!!

સોળમો અવતાર – કિરાત અવતાર

ભગવાન શંકરે કિરાત અવતારમાં પાંડુપુત્ર અર્જુનની વીરતાની પરીક્ષા લીધી હતી. મહાભારત પ્રમાણે કૌરવોએ છળકપટથી પાંડવોનું રાજ્ય હડપી લીધું હતું અને પાંડવોને વનવાસમાં જવું પડયું હતું. જયારે વનવાસમાં અર્જુન ભગવાન શંકરજીને પ્રસન્ન કરવાં માટે તપસ્યા કરતો હતો તો દુર્યોધન દ્વારા મોકલાવેલો મૂડ નામનો દૈત્ય અર્જુનને મારવાં માટે સુવ્વરનું રૂપ ધારણ કરીને ત્યાં પહોંચ્યો. અર્જુને એ સુવ્વર પર પોતાનાં બાણનો પ્રહાર કર્યો તો એ બરાબર એ જ સમયે ભગવાન શંકરે પણ કિરાત વેશ ધારણ કરીને એ સુવ્વર પર પોતાનું બાણ ચલાવ્યું. ભગવાન શિવજીની માયાથી અર્જુન એમને ના ઓળખી શક્યો અને એ સુવ્વરનો વધ એનાં જ બાણથી થયો છે એવું કહેવાં લાગ્યો. એના માટે ઘણો જ ઉગ્ર વાદવિવાદ પણ થયો અને વાત તો છેક યુદ્ધ સુધી પહોંચી ગઈ. અર્જુને કિરાત વેશધારી ભગવાન શિવ સાથે યુદ્ધ કર્યું. અર્જુનની વીરતા દેખીને તો ભગવાન શિવજી પણ પ્રસન્ન થયાં અને પોતાનાં વાસ્તવિક સ્વરૂપમાં આવીને અર્જુનને કૌરવો પર વિજય પ્રાપ્ત કરશે એવા આશીર્વાદ આપ્યાં. અર્જુનની આ પ્રકારની વીરતા જોઇને ભગવાન શિવજીએ અર્જુનને એક દિવ્યાસ્ત્ર પણ આપ્યું હતું અને એનું નામ છે પાશુપશાસ્ત્ર!!! ભગવાન શંકરે જણાવ્યું કે —— આ પાશુપશાસ્ત્રનો ઉપયોગ તે એક જ વખત કરી શકશે એટલે તું યોગ્ય સમયે જ એનો ઉપયોગ કરજે !!!

સત્તરમો અવતાર – સુનટનર્તક અવતાર

માં પાર્વતીનાં પિતા હિમાલય પાસે એમની પુત્રીનો હાથ માંગવા માટે ભગવાન શિવજીએ સુનટનર્તકનો વેશ ધારણ કર્યો હતો. હાથમાં ડમરું લઈને ભગવાન શિવજી નટનાં રૂપમાં જ્યારે રાજા હિમાલયનાં ઘરે પહોંચ્યા અને ત્યાં જઈને તેઓ નૃત્ય કરવાં માંડ્યા !!! ભગવાન નટરાજ શિવજીએ ખુબ જ સુંદર અને મનોહર નૃત્ય કર્યું કે ત્યાં જે પણ હાજર હતા એ બધાંજ ખુબ જ પ્રસન્ન થઇ ગયાં. જ્યારે હિમાલયે નટરાજને ભિક્ષા માંગવાનું કીધું તો નટરાજ ભગવાન શિવજીએ ભિક્ષામાં માં પાર્વતીનો હાથ માંગી લીધો. એ વાત સાંભળીને હિમાલયરાજ ખુબ જ ક્રોધિત થઈ ગયાં. થોડાં સમય બાદ નટરાજ વેશ ધરી ભગવાન શિવજી માં પાર્વતીને પોતાનું અસલી રૂપ બતાવીને સ્વયં ત્યાંથી ચાલ્યાં ગયાં. એમનાં ગયાં બાદ મૈના અને હિમાલયને એ દિવ્યજ્ઞાન થયું અને એમણે માં પાર્વતીનો હાથ ભગવાન શિવજીના હાથમાં સોંપવાનો નિર્ણય કર્યો હતો !!!

અઢારમો અવતાર – બ્રહ્મચારી અવતાર

દક્ષનાં યજ્ઞમાં પ્રાણ ત્યાગ્યા બાદ જ્યારે દેવી સતીએ હિમાલયને ઘરે જન્મ લીધો હતો. ભગવાન શિવજીને પતિનાં રૂપમાં મેળવવા માટે એમણે ઘોર તપ કર્યું હતું. માં પાર્વતીની પરીક્ષા કરવાં માટે ભગવાન શિવજીએ બ્રહ્મચારીનો વેશ ધારણ કર્યો અને એમની પાસે પહોંચ્યા. માં પાર્વતીએ બ્રહ્મચારીને જોયા અને એમની વિધિવત પૂજા પણ કરી. જ્યારે બ્રહ્મચારીએ માં પાર્વતીજીને એમનાં તપનો ઉદ્દેશ્ય પૂછ્યો અને એ જાણીને તો તેઓ ભગવાન શિવની નિંદા કરવાં માંડ્યા અને એમને સ્મશાનવાસી અને કાપાલિક પણ સંબોધ્યા. એ બધું સાંભળીને તો માં પાર્વતીજીને અતિશય ક્રોધ આવ્યો. પછી માં પાર્વતીની ભક્તિ અને પ્રેમભાવ દેખીને ભગવાન શિવજીએ પોતાનું વાસ્તવિક સ્વરૂપ બતાવ્યું અને એ જોઇને માં પાર્વતીજી પણ અતિપ્રસન્ન થઈ ગયા !!!

ઓગણીસમો અવતાર – યક્ષ અવતાર

યક્ષ અવતાર ભગવાન શિવજીએ દેવતાઓનાં અનુચિત વર્તન અને એમનાં મિથ્યાભિમાનને દુર કરવાં માટે આ આવતાર ધારણ કર્યો હતો. ધર્મ ગ્રંથો પ્રમાણે દેવતાઓ અને દૈત્યો વચ્ચે જે સમુદ્ર્મંથન કરવામાં આવ્યું હતું એ દરમિયાન જયારે એમાંથી ભયંકર અને અતિવિનાશક વિષ નીકળ્યું તો ભગવાન શંકરે એ વિષને પણ ગ્રહણ કરીને પોતાનાં કંઠમાં રોકી રાખ્યું અને એ પછી એમાંથી અમૃતકળશ નીકળ્યો. અમૃતપાન કરવાંથી બધાં દેવતાઓ અમર તો થઇ ગયાં પણ સાથેસાથે જ એમનામાં એવું અભિમાન પણ આવી ગયું કે હવે તો તેઓ જ સૌથી શક્તિશાળી છે. દેવતાઓનું આ અભિમાન તૂટે એના માટે ભગવાન શિવજીએ યક્ષનું સ્વરૂપ ધારણ કર્યું અને દેવતાઓ આગળ ઘાસનું એક તણખલું મુકીને એને તોડવાનું કીધું. દેવતાઓએ પોતાની સમગ્ર શક્તિ કામે લગાડી પણ છતાં દેવતાઓથી એ તણખલું પણ તૂટી શક્યું નહિ તો આકાશવાણી થઇ કે યક્ષજી જ બધાંઓનું અભિમાન ચકનાચૂર કરનાર વિનાશક ભગવાન શંકરજી છે !!! એ સાંભળીને બધાં દેવતાઓએ ભગવાન શંકરની સ્તુતિ કરી અને પોતે કરેલા અપરાધ બદલ ક્ષમા પણ માંગી !!!

તો આપણે આ લેખમાં જોયા ભગવાન શિવાજીનાં કુલ ૧૯ અવતારો અને એમાંથી ફક્ત કાળભૈરવ અને સંપૂર્ણ અને બળશાળી ભગવાન હનુમાનજીની જ પૂજા કરવામાં આવે છે. બાકી બધાં તો એમના રૂપો અને સ્વરૂપો જ છે પરંતુ તે પણ બધાં એક અવતાર જ છે. આ અવતારો પાછળ એક ખાસિયત એ રહેલી છે કે એ બધાં અવતારોમાં કોઈ નાત-જાતનો ભેદભાવ નથી રાખવામાં આવ્યો એ બધા રૂપો સમાજનાં લગભગ દરેક લોકોનું પ્રતિનીધિત્વ કરે છે. આ અવતારો રાજા, રાણી,ભિખારણ અને ભીલોને પણ મદદરૂપ થાય છે. આ અવતારો સંપૂર્ણરીતે માનવીય છે અને એ જ એમની માનવતા છતી કરે છે. આ અવતારો એક નાનાં બાળકને પણ મદદ કરે છે તો દેવતાઓને પણ મદદ કરે છે તો ભગવાનને પણ સહાયભૂત થાય છે તો ક્યારેક ત્રિદેવમાંનાં એક એવા બ્રહ્માજીનું માથું પણ ધડથી અલગ કરે છે તો ભગવાન વિષ્ણુને સહાયભૂત થાય છે ક્યારેક એમનાં અવતારોની ભક્તિ પણ કરે છે તો ક્યારેક એમનાં કુપુત્રોની હત્યા પણ કરે જ છે. આ ભગવાન શંકરજીની શક્તિ અને અને સહાનુભુતિ બતાવવાં માત્ર કાફી છે

એક રીતે તો શિવજીએ સમાજ કલ્યાણનું જ કાર્ય કર્યું છે અને બધા જ માનવોને એમણે મદદ કરી છે. માટે જ તો આજે દરેક માણસ ભગવાન શિવજી પાસે જાય છે અને કોઈ પણ સંકોચ વિના સહાય માંગવા માટે અને તેમની મનોકામના પુરી થાય એના માટે એમનાં દ્વારે પહોંચી જાય છે. ભગવાન શિવજી પણ પરમ દયાળુ અને કલ્યાણકારી છે અને એમના બધા જ ભક્તોની ઈચ્છાપૂર્તિ ચોક્કસથી કરે જ છે. ભગવાન પણ ક્યારેક પોતાના ભક્તોને એવું કહે છે —- ” ચિંતા ના કરો …….. હું અવતાર ધરીને આવું જ છું ” તો આપણી પણ એવી ફરજ બને છે કે આપણે ભગવાન શંકરજીની આસ્થાપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક પૂજા કરીએ !!! અને એ પૂજા કોઈ એક નહી પણ આપણે બધાંજ કરીએ એ જ ઉચિત ગણાશે !!! એને સાચેજ ત્વરિત ત અમલમાં મુકવાની જરૂર છે આશા છે કે સૌ કોઈ શિવજીની પૂજા કરશે જ !!!

Source link —> jobaka.in

Share this :