જાણો મોગલ માતાના આ પરચાને લીધે આજે પણ ભગુડા ગામમાં તાળું મારવામાં આવતું નથી

એવું કહેવાય છે, કે આખા ભારતમાં માત્ર બે ગામ એવાં છે જ્યાંના રહેવાસીઓના ઘરોમાં કદી તાળા લાગતાં નથી. એક છે મહારાષ્ટ્રમાં આવેલું શનિદેવરા, અને બીજું છે ગુજરાતના ભાવનગર જીલ્લામાં આવેલું ભગુડા! એક શનિદેવનું ધામ છે તો બીજું આદ્યશક્તિ મોગલ માતાનું તીર્થસ્થાન છે.

મોગલધામ ભગુડાની વિશેષતા એ બાબતે ખાસ્સી પ્રખ્યાત છે કે અહીંના ઘરોનાં બારણાં કદી બંધ થતા નથી. ગામમાં કદી ચોરી થતી નથી. એવું કહેવાય છે, કે રખે ને કોઈ દાનત બગાડીને ધૂળની કણી પણ ભગુડામાંથી ઉઠાવી જાય તો એ વધીને ગામનો સીમાડો વટાવી શકતો નથી! પ્રશ્ન થાય કે આ પ્રથા ક્યારથી શરૂ થઈ હશે? આની પાછળ એક રોચક કથા છે, જે ‘ભગુડા’ નામના ઉદ્ભવ સાથે પણ સંકળાયેલી છે. અહીં રજૂ કરી છે.

વર્ષો જૂની વાત છે. સુજાનબા નામની એક અઢારેક વર્ષની રાજપૂત કુટુંબની કન્યા વગડાને માર્ગે ભાતું લઈને ચાલી જાય છે. બપોરનો સુરજ ધોમ ધખી રહ્યો છે. એ વખતે લીલા ઝબ્બાવાળા કેટલાક ઘોડેસ્વારો ત્યાંથી નીકળ્યા અને રૂપરૂપના અંબાર જેવી કન્યાને જોઈ બદદાનતવાળા ઘોડેસ્વારોના નાયકે ઘોડાને સુજાનબા ફરતા કુંડાળે નાખ્યા.

ઘોડેસ્વારોનો નાયક કડીનો બાદશાહ હતો, મુસલમાન હતો. એણે સુજાનબાને પૂછ્યું કે, આવે ટાણે ક્યાં જાય છે?

સુજાનબાએ જવાબ આપ્યો કે, મારા બાપુ વગડે ઢોર ચારે છે એના માટે ભાતું લઈને જાઉં છું.

ખંધા બાદશાહની બદદાનત એ શબ્દોમાં છતી થઈ ગઈ જ્યારે તેણે કહ્યું કે, આવા રૂપનાં આભરણ તો કડીના મહેલમાં શોભે, વન-વગડે નહી! આ શબ્દો સાંભળીને અઢાર વર્ષની ક્ષત્રિયાણીના અંગઅંગમાં લ્હાય વ્યાપી ગઈ. પણ હાલ એ કરે શું? એણે પોતાના અગનજ્વાળા જેવા ક્રોધ પર સંયમ રાખીને બાદશાહને રોકડું પરખાવ્યું કે, દીકરીના માંગા એના બાપની પાસે નાખવાના હોય!

ઓખાધરવાળીની આરાધના

બાદશાહ સુજાનબાના આધેડ વયના પિતા પાસે આવ્યો. સુરસિંહજી વાઘેલા નામના એ ક્ષત્રિયએ આ વાત સાંભળી અને એની આંખો કાળઝાળ થઈ ઊઠી! છતાં પણ અમુક સમયની મુદ્દત પછી જવાબ આપશું એમ કહી બાદશાહને વિદાય કર્યો.

એ પછી સુરસિંહજી વાઘેલાએ અને દીકરી સુજાનબાએ ગુજરાતના પશ્વિમી કાંઠે, અરબી સમુદ્રના કિનારે આવેલ ઓખાધામમાં બેઠેલી માત મોગલની પ્રાર્થના કરી. દીકરીને ઇસ્લામી બનાવવા કરતા મોતને મીઠું કરવાનું નક્કી કરીને બેઠેલ બાપ-દીકરીની અરજ માતાજી સાંભળી.

રણ મેલીને કાયર ભાગ્યો!

બાદશાહ કડીના દરબારગઢની મેડીએ સૂતો છે. અચાનક કોઈ પ્રચંડ આઘાત સાથે એનો ઢોલીયો ડગમગી ગયો. બાદશાહની આંખ ઉઘડી અને જોયું તો છાતી માથે ભેળીયાવાળીનું ત્રિશૂળ તોળાઈ રહ્યું છે! આંખમાંથી અંગાર ઝરાવતી ભગવતી મોગલ એક વૃધ્ધાના વેશે આવીને ઊભી છે. બાદશાહને લાગ્યું કે હવે પત્યું! આ તો કાળ આવ્યો!

બાદશાહ ભાગ્યો. આથડતો કૂટાતો કડીથી ભાગીને ઠેઠ ગોહિલવાડના ઉંબરે આવી ઊભો. પાછળ સાક્ષાત્ અખિલ બ્રહ્માંડની ધારિત્રી પડી હોય ત્યાં એને વસુંધરા પણ મારગ આપે એ વાતમાં માલ નહી! આખરે એક ગામમાં આવીને બાદશાહ છૂપાયો. ગામના બધાં ઘરોમાં તાળા લગાવડાવી દીધાં. કીધું કે, કોઈ બારણાં ખોલશો નહી.

ધડાધડ તાળાં તોડવા માંડ્યાં!

દાવાનળની જેમ માત મોગલ આવી. મણ-અધમણના લટકાવેલાં ખંભાતી અધમણિયાં ધડાધડ તોડવા માંડ્યાં! છેલ્લે બાદશાહ જે ઘરમાં છૂપાયો હતો તેનું તાળું તોડ્યું. થરથરી ગયેલા બાદશાહે ‘મા, માફ કરો!’ કહીને માફી માંગી. આખરે માતાજીએ એને માફ કર્યો. ચેતવણી ઉચ્ચારી કે, હિંદવાણની બાળાઓને હેરાન કરવાની જો મનેચ્છા રાખતો હોય તો ભૂલી જજે, બાકી હવેનો ઘા એવો હશે જે તને ત્રણે ભુવનમાં ત્રણ વેતની જગા પણ નહી મળવા દે!

હવે કોઈ બારણું વાસજો મા!

એ પછી માતાજીએ ગામવાસીઓને કહ્યું, કે હવે કોઈ આવા ધર્મશત્રુને સંઘરશો નહી અને ગામનું દરેક બારણું ઉઘાડું જ રાખજો. અહીં હું બેઠી છું. ઘરની ચિંતા કરશો નહી. એક ટાંચણી પણ અહીંથી નહી ઉપડે!

કહેવાય છે, કે કડીનો બાદશાહ ભાગીને આ ગામમાં આવેલો એટલે ‘ભાગેડુ’ શબ્દ પરથી ગામનું નામ ‘ભગુડા’ પડ્યું. તે દિ’થી આજની રાત્ય ને કાલનો દિ’…ભગુડાએ કોઈ દિવસ બારણું વાસેલું નથી ભાળ્યું! શક્તિ હાજરાહજૂર બેઠી હોય ત્યાં કશું ખોવાની શું બીક!

જય માત મોગલ!

Source link —> gujjurocks.in

Share this :