જાણો રુદ્રાક્ષનું આધ્યાત્મિક મહત્વ અને તેના પ્રકારો વિશે

રૂદ્રાક્ષ શબ્દની સંધી છુટી પાડીએ તો રૂદ્ર+અક્ષ એમ થાય. હવે તેનો અર્થ સમજીએ તો રૂદ્ર એટલે ભગવાન શિવ અને અક્ષ એટલે આંખ. ભગવાન શિવના આંસુ પૃથ્વી પડ્યા અને તેમાંથી એક વૃક્ષ બન્યું અને તેના પર જે ફળ આવ્યા તેને રૂદ્રાક્ષ કહેવામાં આવે છે. રૂદ્રાક્ષનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટીએ ખુબ મહત્વ છે. આવો જાણીએ રૂદ્રાક્ષના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ.

રૂદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ હોવાના કારણે રૂદ્રાક્ષને સાક્ષાત ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. રૂદ્રાક્ષમાં આધ્યાત્મિક તેમજ દૈવી ગુણો રહેલા છે. રૂદ્રાક્ષનું વર્ણન શિવમહાપુરાણ, લિંગપુરાણ, પદ્મપુરાણ, રૂદ્ર-જાબાલોપનિષદ, ઉડિસતંત્ર સહિત અન્ય ઘણા પ્રમુખ ગ્રંથોમાં જોવા મળે છે. ભગવાન શિવ એક સર્વશક્તિમાન દેવ છે. સર્વ દેવો મહાન છે પરંતુ ભગવાન શિવ સર્વ દેવોમાં પણ મહાન છે એટલે તેમને મહાદેવની ઉપમાં આપવામાં આવી છે. ભગવાન શિવ જન્મથી મૃત્યુ સુધીના ચક્રને નિયંત્રિત કરે છે. ભગવાન શિવ ભાષા, કલા, નૃત્ય, સંગીત, યોગ, આયુર્વેદ અને ઔષધી તેમજ વનસ્પતી વિજ્ઞાનના જનક છે અને રૂદ્રાક્ષના જનક પણ ભગવાન શિવ છે અને એટલા માટે આ તમામ બાબતોમાં નિપુણતા તેમજ આધ્યાત્મિકતા, નિર્ભયતા, સ્વાસ્થ્ય અને શાંતિ તેમજ સંપન્નતા જેવી તમામ ઈચ્છાઓ રૂદ્રાક્ષ ધારણ કરવાથી પૂર્ણ થાય છે.

રૂદ્રાક્ષનું વૈજ્ઞાનિક મહત્વ

વિજ્ઞાને પણ રૂદ્રાક્ષના મહત્વને અને તેના પાવરને માન્યો છે. ઘણાબધા પ્રયોગોથી સીદ્ધ થયું છે કે રૂદ્રાક્ષ ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ તેમજ માનસિક શાંતી આપવા માટે સક્ષમ છે. રૂદ્રાક્ષ એક ઔષધીય વનસ્પતી છે કે જે રક્તચાપ, હ્યદયરોગ, તેમજ મનોરોગ પર વિશિષ્ઠ પ્રભાવ આપે છે. રૂદ્રાક્ષ ધારણ કરવાથી બુદ્ધિનો વિકાસ થતો હોવાનું પણ એક પ્રયોગમાં સાબિત થયું છે. જ્હોન ગેરેટ અને કર્બરડ્રોરી નામના વૈજ્ઞાનિકોએ રૂદ્રાક્ષના ઔષધીય ગુણો બતાવેલા છે. ઈ.સ 1864માં ડો. અબ્રાહમ જજુઆરે જણાવ્યું હતું કે રૂદ્રાક્ષ મનોરોગ તેમજ હતાશાને નિયંત્રીત કરે છે. ઈ.સ 1985માં ડો. એસ.પી.ગુપ્તાએ રક્તચાપના રોગીઓ પર રૂદ્રાક્ષના ચૂર્ણથી પરીક્ષણ કર્યું અને તેના ખૂબ જ સકારાત્મક પરિણામો મળ્યા હતા જેમાં સૌથી મહત્વની વાત સામે આવી હતી કે તેની કોઈ આડઅસરો નહોતી. રૂદ્રાક્ષમાં વિદ્યુત શક્તિ રહેલી છે જે શરીર અને મનને પોઝીટીવીટી પ્રદાન કરે છે.

એક મુખી રૂદ્રાક્ષઃ

ચંદ્રાકાર એકમુખી રુદ્રાક્ષ અતિદુર્લભ અને કિંમતી છે. તે સાક્ષાત ભગવાન શિવનું સ્વરૂપ છે. તે તમામ પ્રકારની ઇચ્છાઓ પૂર્ણ કરનાર, પાપોથી મુક્તિ આપનાર અને સૌભાગ્યનું પ્રતિક મનાય છે. અત્યારે એકમુખી તરીકે ઓળખાતો ચન્દ્રાકાર રુદ્રાક્ષ ખરેખર તો ભદ્રાક્ષ પ્રકારનો હોય છે, જેમાં વચ્ચે કાણું હોતું નથી અને તે ફક્ત પૂજાવિધિમાં ઉપયોગી છે. નેપાળી એકમુખી રૂદ્રાક્ષમાં પ્રાકૃતિક રીતે વચ્ચે કાણું હોય છે. એકમુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ થાય છે અને બ્રહ્મહત્યા જેવા પાપોમાંથી પણ મુક્તિ મળે છે. શિવપુરાણ અનુસાર એકમુખી રૂદ્રાક્ષની પૂજા કરવાથી કે તેને ધારણ કરવાથી રિદ્ધી-સિદ્ધિ તેમજ પરમ તત્વની પ્રાપ્તિ થાય છે. એક મુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી માથાનો દુખાવો, આંખના રોગ, પથરી, શ્વાસ રોગ, હ્યદય રોગ તેમજ ચામડીના રોગોમાં રાહત પ્રાપ્ત થાય છે.

બે મુખી રુદ્રાક્ષઃ

આ રુદ્રાક્ષ અર્ધનારીશ્વર એટલે કે શિવ-શક્તિનું સ્વરૂપ મનાય છે. તે સમૃદ્ધિ વધારનાર અને પાપનાશક છે. એકતાનું પ્રતિક અને લગ્નસંબંધને દૃઢ બનાવનાર છે. તથા મગજને કાબુમાં કરનાર અને ચંદ્ર સંબધી તકલીફો દૂર કરનાર મનાય છે. આ રૂદ્રાક્ષ એકતાનું પ્રતિક છે. સંતાન પ્રાપ્તિમાં વિલંબ થતો હોય તેવા દંપતિઓએ આ રૂદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી હ્યદયરોગ, ફેફસા, આંખ, લોહી સંબંધિત રોગો, સ્ત્રીઓ માટે સ્તનને લગતા રોગો, મુત્રાશય તેમજ હતાશાને લગતા રોગોમાં પણ બે મુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી લાભ થાય છે.

ત્રણ મુખી રુદ્રાક્ષઃ

ત્રણ મુખી રૂદ્રાક્ષ એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ છે. ત્રણ મુખી રૂદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિને ગત જન્મના પાપોમાંથી મુક્તિ મળે છે. જે લોકો ભય, તિરસ્કાર, તેમજ હીન ભાવનાથી પીડાતા હોય તેવા લોકો માટે આ રૂદ્રાક્ષ ઉત્તમ ગણી શકાય. જે વ્યક્તિ વારંવાર બિમારીઓથી ઘેરાયેલો રહેતો હોય તેમને પણ આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે. દેવી ભાગવત અનુસાર આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી ગર્ભપાતના પાપમાંથી પણ મુક્તિ મળે છે. આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી મંગળને લગતા દરેક દોષ જેવાકે લોહીનો બગાડ, અકસ્માત, જમીનને લગતા વિવાદો વગેરેમાંથી મુક્તિ મળે છે.

ચાર મુખી રુદ્રાક્ષઃ

આ રૂદ્રાક્ષ બ્રહ્મા સ્વરૂપ અને ધારણ કરનારને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રદાન કરનાર છે. પાપનાશક, યાદશક્તિ તથા ચાતુર્ય વધારનાર અને બુધ સંબંધીત તકલીફો દૂર કરનાર મનાય છે. જે લોકો વેદ અને પુરાણના અધ્યયનમાં રૂચી ધરાવે છે તે લોકો માટે ચાર મુખી રૂદ્રાક્ષ ઉત્તમ ગણાય છે. ચારમુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિની મેઘાવી શક્તિમાં વધારો થાય છે. વાણી પર પ્રભુત્વ વધે છે, અને સાથે જ આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિની કિર્તી ચારેય દિશાઓમાં ફેલાય છે. આ રૂદ્રાક્ષ જો બાળકો ધારણ કરે તો તેમની સ્મૃતિ અને એકાગ્રતામાં વૃદ્ધિ થાય છે. માનસિક શ્રમ કરતા લોકો માટે આ રૂદ્રાક્ષ શ્રેષ્ઠ છે. આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી વાકચાતુર્યમાં ખૂબ જ વધારો થાય છે. વૈજ્ઞાનિકો, બુદ્ધિજીવીઓ, કલાકારો, લેખકો, પત્રકારો, તેમજ વિદ્યાર્થીઓ જો આ ચાર મુખી રૂદ્રાક્ષ ધારણ કરે તો તેમને ધાર્યુ ફળ પ્રાપ્ત થાય છે. તો સાથે જ નાક, કાન, ગળુ અને મનોરોગ તેમજ ફેફસાના રોગોમાં આ રૂદ્રાક્ષ શ્રેષ્ઠ ફળ પ્રદાન કરે છે.

પંચમુખી રુદ્રાક્ષઃ

આ સર્વસુલભ રુદ્રાક્ષ કાલાગ્નિરુદ્ર (શિવ) સ્વરૂપ અને પાપનાશક છે. ગુરૂસંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે. માળા બનાવવામાં વપરાય છે. પંચમુખી રુદ્રાક્ષની માળા ધારણ કરનારને તન, મનની શાંતિ તથા આધ્યાત્મિક ઊંચાઈનો અનુભવ કરાવે છે. આ રૂદ્રાક્ષના અધિપતી ગુરૂ ગ્રહ છે એટલા માટે તેને ધારણ કરવાથી ધર્મ તેમજ આધ્યાત્મિક બાબતોમાં ઉન્નતિ થાય છે. તો આ સાથે જ પાંચમુખી રૂદ્રાક્ષના ત્રણ દાણા પાણીમાં પલાળી રાખી અને તે પાણીનું સેવન કરવાથી પેટને લગતા રોગોમાંથી મુક્તિ મળે છે.

છ મુખી રુદ્રાક્ષઃ

છ મુખી રૂદ્રાક્ષ ભગવાન કાર્તિકેયનું સ્વરૂપ ગણાય છે. નિર્ણયસિંધુ ગ્રંથ અનુસાર આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી ગોપનીય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જાબાલોપનિષદ આ રૂદ્રાક્ષને ભગવાન કાર્તિકેય તેમજ ભગવાન શ્રી ગણેશનું સ્વરૂપ માને છે. આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી ઈચ્છા શક્તિનો વિકાસ થાય છે અને સાથે જ વિદ્યા તેમજ બુદ્ધિની પ્રાપ્તિ થાય છે અને અભિવ્યક્તિની કુશળતા વધે છે. આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી વાકસિદ્ધિની પ્રાપ્તી થાય છે અને સાથે જ ગંભિર પ્રકારના રોગોમાંથી પણ છ મુખી રૂદ્રાક્ષ મુક્તિ અપાવે છે. છ મુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી સ્વાસ્થ્ય, સંપત્તિ, અને સુખ ત્રણેયની પ્રાપ્તિ થાય છે. ઉચ્ચ શિક્ષણમાં સફળતાઓ માટે આ રૂદ્રાક્ષને ચારમુખી રૂદ્રાક્ષ સાથે ધારણ કરવો જોઈએ. આ રૂદ્રાક્ષ પહેરવાથી આંખને લગતા, પેશાબ અને ગળાને રોગો પર નિયંત્રણ પ્રાપ્ત કરી શકાય છે. આ રૂદ્રાક્ષને ગૌરીશંકર રૂદ્રાક્ષ સાથે ધારણ કરવો જોઈએ. આ રૂદ્રાક્ષને જમણા હાથના કાંડા પર ધારણ કરી શકાય, જે વ્યક્તિઓ બોલતા બોલતા અચકાતા હોય તે વ્યક્તિઓ માટે આ રૂદ્રાક્ષ શ્રેષ્ઠ ફળ આપે છે.

સાત મુખી રુદ્રાક્ષઃ

સાત મુખી રૂદ્રાક્ષના અધિષ્ઠાત્રી દેવી શ્રી મહાલક્ષ્મી છે. પદ્મપુરાણ અનુસાર અનંત, કર્કોટક, પુંડરીક, તક્ષક, વશોશીલન, કરોઆસ અને શંખચૂડ નામના સાત નાગોના વાસ આ રૂદ્રાક્ષમાં હોય છે. આ રૂદ્રાક્ષ ધારણ કરનાર પર કોઈપણ પ્રકારના ઝેરની અસર થતી નથી અથવા થાય તો ઓછી થાય છે. આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી બ્રાહ્મી, મહેશ્વરી,કૌમારી,વૈષ્ણવી, વારાહી, ઈન્દ્રીણી તેમજ ચામુંડા એમ સાત માતૃકાઓ પ્રસન્ન રહે છે. આ રૂદ્રાક્ષ નોકરીયાત વર્ગ અને વ્યાવસાયીક વર્ગ બંન્ને માટે ઉપયોગી છે. આ રૂદ્રાક્ષની સાથે જો આઠમુખી રૂદ્રાક્ષ ધારણ કરવામાં આવે તો તેના પ્રભાવમાં વધારો થાય છે. સાત મુખી રૂદ્રાક્ષના ઓછામાં ઓછા પાંચ દાણા ધારણ કરવા જોઈએ જેનાથી હાડકા તેમજ સાંધાના દુખાવાને લગતા રોગોમાં રાહત પ્રાપ્ત થાય છે. તો આ સાથે જ આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી શારીરિક નબળાઈ, પેટનો દુખાવો, લકવા, ગર્ભપાત, વિર્યશુદ્ધિ જેવા રોગોમાં લાભ થાય છે.

આઠ મુખી રુદ્રાક્ષઃ

આઠ મુખી રૂદ્રાક્ષના દેવ ભગવાન શ્રી ગણેશ છે. આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી રિદ્ધિ અને સિદ્ધીની પ્રાપ્તિ થાય છે. સાથે જ બુદ્ધિનો વિકાસ થાય છે. આ રૂદ્રાક્ષ ધારણ કરનારી વ્યક્તિના અવલોકન અને લેખન શક્તિમાં વધારો થાય છે. આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી યશ, કલા ને નેતૃત્વના ગુણોની પ્રાપ્તિ થાય છે. આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી શનિદોષ દુર થાય છે. આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી પ્રોસ્ટેટ, પિત્તાશય, ફેફસા અને શ્વાસને લગતા રોગો અને સાથે જ નેત્રરોગમાં રાહત પ્રાપ્ત થાય છે.

નવ મુખી રુદ્રાક્ષઃ

નવ મુખી રૂદ્રાક્ષના દેવી માં દુર્ગા છે. આ રૂદ્રાક્ષમાં માં દુર્ગાના નવ સ્વરૂપની શક્તિ સમાયેલી છે. પદ્મપુરાણ અને દેવીભાગવત મુજબ નવમુખી રૂદ્રાક્ષ પર ભૈરવના આશીર્વાદ રહેલા છે અને આ રૂદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિને ભયમાંથી મુક્તિ મળે છે અને સાથે તેના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. નવમુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી વિરતા, ધીરજ, સાહસ, કર્તવ્યપારાયણતા, નેતૃત્વ શક્તિ, સંકલ્પ શક્તિ જેવા ગુણોનો મનુષ્યમાં વિકાસ થાય છે. આ રૂદ્રાક્ષ પતિ-પત્ની, પિતા-પુત્ર, વચ્ચે મતભેદ હોય તો તેને દુર કરવામાં ઉપયોગી સાબિત થાય છે. જે સ્ત્રીઓ નોકરીયાત કે વ્યાવસાયિક હોય તેમના માટે આ રૂદ્રાક્ષ શ્રેષ્ઠ ગણાય છે. નવમુખી રૂદ્રાક્ષ મસ્તક રોગ, ગર્ભપાત, નિસંતાન, નેત્ર રોગ અને ફેફસાના રોગોમાં ઉપયોગી સાબિત થાય છે.

દશ મુખી રુદ્રાક્ષઃ

દસમુખી રૂદ્રાક્ષ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ ગણાય છે. આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી મનુષ્યને ભગવાન વિષ્ણુના મુખ્ય દસ અવતારના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. મનુષ્યના શરીરમાં પાંચ જ્ઞાનેન્દ્રીય અને પાંચ કામેન્દ્રીય રહેલી છે. આ કુલ દસ ઈન્દ્રિયો દ્વારા થયેલા પાપોનો નાશ આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી થાય છે. દશ મુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી નવ ગ્રહ, વેતાલ, બ્રહ્મ રાક્ષસ, નજર લાગવી, અકાલ મૃત્યું, પ્રેતદોષ વગેરેમાંથી મુક્તિ મળે છે. તો દસમુખી રૂદ્રાક્ષ સાથે એકમુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે. અનીંદ્રા, દિશા હિનતા, તેમજ અસ્થિરતાથી ઘેરાયેલા વ્યક્તિને દશમુખી રૂદ્રાક્ષ પહેરવાથી લાભ થાય છે. આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી દસ દિશાઓમાંથી આવતા વિઘ્નોનો નાશ થાય છે. આ રૂદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિનો રાજનૈતિક પ્રભાવ વધે છે. તો આ સાથે જ આ રૂદ્રાક્ષ વિવેક અને બુદ્ધિમાં પણ વધારો કરાવે છે. યશ, માન, અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી થાય છે. ભગવાન વિષ્ણુ ઉપરાંત દસ દિગપાલ, યમરાજ, તેમજ ભગવાન કાર્તિકેય આ રૂદ્રાક્ષના દેવ છે. દસમુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી કાનના રોગ અને ગર્ભધારણ કરવામાં આવતી સમસ્યાઓમાંથી રાહત પ્રાપ્ત થાય છે.

અગિયાર મુખી રુદ્રાક્ષઃ

અગિયાર મુખી રૂદ્રાક્ષ સાક્ષાત ભગવાન રૂદ્રનું સ્વરૂપ ગણાય છે. હનુમાનજી એ ભગવાન શિવના અગિયારમા રૂદ્ર ગણાય છે અને એટલા માટે જ અગીયાર મુખી રૂદ્રાક્ષના દેવ એકાદશ રૂદ્ર એટલે કે હનુમાનજી અને સાથે જ ભગવાન ઈન્દ્ર પણ છે. આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી વાણીની કુશળતા, આત્મવિશ્વાસ, શારીરિક બળ, ધ્યાન અને ભક્તિની પ્રાપ્તિ થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે અગીયાર મુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી અશ્વમેઘ યજ્ઞ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. આ રૂદ્રાક્ષ યોગ અને તંત્રના અભ્યાસુ લોકો માટે વિશેષ લાભકારી છે. આ રૂદ્રાક્ષ સ્વાસ્થ્ય વર્ધક છે જેને ધારણ કરવાથી હઠયોગ, મંત્ર યોગ, યમ-નિયમ-આસન અને ષટકર્મ તેમજ કોઈપણ પ્રકારની સાધનામાં સફળતા પ્રાપ્ત થાય છે. અગીયારમુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી હ્યદયરોગ, રક્તચાપ, અને મધુપ્રમેહ એટલેકે ડાયબીટીસ જેવા રોગોમાં રાહત પ્રાપ્ત થાય છે.

બાર મુખી રુદ્રાક્ષઃ

બાર મુખી રૂદ્રાક્ષ ભગવાન સૂર્યનારાયણ અને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. પદ્મપુરાણ અનુસાર આ રૂદ્રાક્ષને ધારણ કરવાથી ભય અને રોગમાંથી મુક્તિ મળે છે અને સાથે જ દરિદ્રતાનો પણ નાશ થાય છે. આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી મનુષ્ય નિર્ભયી બને છે. જાબાલોપનિષદ મુજબ બાર મુખી રૂદ્રાક્ષને ભગવાન વિષ્ણુના આશિર્વાદ પ્રાપ્ત છે. આ રૂદ્રાક્ષથી વ્યક્તિના નેતૃત્વના ગુણોમાં વિકાસ થાય છે અને સાથે મનુષ્યની તેજસ્વિતા વધે છે. માર્કંડેય પુરાણ અને અથર્વવેદ અનુસાર કુષ્ટરોગ, હ્યદયરોગ, નેત્ર રોગ અને લોહીના વિકારને લગતા રોગોમાં આ રૂદ્રાક્ષ રાહત અપાવે છે. આ રૂદ્રાક્ષ મોટા વેપારી, ઉચ્ચ અધિકારી, રાજનેતા વગેરે સહિતના લોકોએ ધારણ કરવો જોઈએ. આ રૂદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિને ઉચ્ચ હોદ્દો, માન-સન્માન અને સત્તાની પ્રાપ્તિ થાય છે.

તેર મુખીઃ

તેરમુખી રૂદ્રાક્ષના દેવ ઈન્દ્ર, રતી અને કામદેવ છે. આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી દરેક કામનાઓની પૂર્તી થાય છે. આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી માતા-પિતા, ભાઈ-બહેન તેમજ ગુરૂની હત્યાના પાપમાંથી મુક્તિ મળે છે. પદ્મપુરાણ અનુસાર આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી મનુષ્યને સદભાગ્યની પ્રાપ્તિ થાય છે. એક માન્યતા અનુસાર ભગવાન ઈન્દ્રએ પોતાનું ખોવાયેલુ સામ્રાજ્ય આ રૂદ્રાક્ષ ધારણ કરીને પરત મેળવ્યું હતું. અભિનેતા, રાજનેતા, કલાકાર, તેમજ ઉચ્ચ અધિકારીઓ સહિતના લોકો જો આ તેરમુખી રૂદ્રાક્ષ ધારણ કરે તો તેમને ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય છે. આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી આકર્ષણ, ઐશ્વર્ય અને આઠ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેરમુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી ગળાને લગતા, કામ શક્તિને લગતા, નિઃસંતાનને લગતા, મનોવિકારને લગતા અને સાથે જ થાઈરોડ જેવા રોગોમાં લાભ પ્રાપ્ત થાય છે.

ચૌદ મુખીઃ

ચૌદમુખી રૂદ્રાક્ષના દેવ ભગવાન શિવ અને હનુમાનજી મહારાજ છે. આ રૂદ્રાક્ષ સાક્ષાત દેવમણી ગણાય છે. ચૌદમુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી આજ્ઞાચક્ર તેજ બને છે. જે વ્યક્તિની કુંડળીમાં શનીની દશા ચાલતી હોય તે વ્યક્તિ જો આ રૂદ્રાક્ષ ધારણ કરે તો તેને લાભ પ્રાપ્ત થાય છે. આ રૂદ્રાક્ષનું ચૂર્ણ દ્રાક્ષના રસ સાથે લેવાથી સ્ત્રીઓને લગતા રોગોમાં લાભ પ્રાપ્ત થાય છે આ સાથે જ કોઈ વ્યક્તિ તોતડુ બોલતો હોય તો તેને પણ આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. આ રૂદ્રાક્ષને પાણીમાં પલાળીને તે પાણી પીવાથી ચામડી પરની કરચલીઓ દૂર થાય છે. તો આ સાથે જ ગાયના દુધમાં આ રૂદ્રાક્ષ મુકીને તે દુધને પીવાથી મનુષ્યની યાદ શક્તિ મેઘાવી બને છે. આયાત અને નિકાસ સાથે સંકળાયેલા લોકો તેમજ ઉચ્ચ અધિકારીઓ જો આ રૂદ્રાક્ષ ધારણ કરે તો તેમને લાભ પ્રાપ્ત થાય છે. તેરમુખી રૂદ્રાક્ષ ગર્ભપાત, સ્ત્રીરોગ, લક્વો, તેમજ પેટને લગતા રોગોમાં રાહત અપાવે છે.

Source link —> chitralekha.com

Share this :