શું તમે જાણો છો આપણાં જીવનમાં કુળદેવી અને કુળદેવતાના મહત્વ વિશે ?

આપણા જીવનમાં જો બધું જ શાંતિથી મંગલમય રીતે ચાલી રહ્યું છે, તો સમજો કે આ બધું જ તમારા કુળદેવી અને દેવતાના આશીર્વાદથી થઇ રહ્યું છે. પરંતુ આજના સમયમાં યુવાનો ભગવાનને ભૂલતા જાય છે. પણ તેમના જ આશીર્વાદથી તમારું કુળ આગળ વધી રહ્યું છે. એટલા માટે તેમને ન ભૂલવા જોઈએ.

આપણા બાપ-દાદાઓ આપણી માટે પૂજા કરતા હતા, કુળદેવી અને કુળદેવતા પાસે પ્રાર્થના કરતા કે ‘મારા બાળકોની રક્ષા કરજો, બાળકો નાના છે, તેમને ખુશી અને સુખ આપજો, તેઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરે, અને અમારા કુળનો ઉદ્ધાર કરે, તેવી શક્તિ અમારાં સંતાનોને આપજો.’ આપણા માતા-પિતાએ આવી પ્રાર્થનાઓ કરીને પોતાના બાળકોને મોટા કર્યા હોય છે. અને મોટા થયેલા આ બાળકો એટલે આજના યુવાનોએ અને બાળકોએ પણ ભગવાનનું રુણ અદા કરવું જોઈએ.

આજના યુવાનોએ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. ભગવાને આપેલા આટલા સારા જીવન માટે ભગવાનનો આભાર વ્યક્ત કરવો જોઈએ. એવી પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન તેમની કૃપા આ જ રીતે વરસાવતા રહે. અને રક્ષા કરતા રહે. તેમના જ આશીર્વાદથી આપણા ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. તેથી ભગવાનને મનોમન દરરોજ યાદ કરવા જોઈએ તથા તેમનો આભાર માનવો જોઈએ કે દરેક નવી સવારે આપણે સ્વસ્થ ઊઠીએ છીએ.

તમને જણાવી દઈએ કે કળિયુગ વિશે એવું કહેવાયું છે કે કળિયુગમાં તો એકવાર પણ ભગવાનના નામનું સ્મરણ કરશો તો તેનું ફળ લાખો ગણું મળશે. જણાવી દઈએ કે નવરાત્રિ એટલે કુળદેવીની પૂજા અર્ચના અને અનુષ્ઠાન કરવા માટેનો ખુબ જ સરસ સમય ગણાય છે અને નવરાત્રીના સમયે આમ કરવાથી તેનાથી અનેક ગણું પુણ્ય મળે છે.

અનુષ્ઠાન કરતા સમયે જ્યારે મંત્ર બોલીએ અથવા માળા કરીએ એ સમયે જો તુલસીનો છોડ પાસે રાખવામાં આવે તો પુણ્ય લાખો ગણું મળે છે. જો યુવાનો ઇવ્સમાં એક વાર માળા કરે અને કુળદેવી-દેવતાને યાદ કરીને દીવો કરે, પૂજા કરે તો પણ પુણ્ય મળે છે.

માતા-પિતા અને બાળકોએ સંપૂર્ણ પરિવાર સહિત કુળદેવી અને દેવતાના દર્શન ઓછામાં ઓછા વર્ષના બે વાર કરવા જોઈએ. તેનાથી તમને આખા વર્ષનો થાક ઉતરી ગયાની અનુભૂતિ થશે. આપણા કુળદેવી-દેવતા ફક્ત ભાવભકિતનાં ભૂખ્યા છે, જો તેમનામાં શ્રદ્ધા રાખશો તો સારું છે, અને નહિ રાખો તો પણ તેમને કોઈ નુકસાન નહિ થાય.

જે ભગવાન મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથી બની શકતા હોય, જે ભગવાન પોતાના ભક્ત માટે દ્વારકાથી ડાકોર આવી શકતા હોય, એ ભગવાન તમને પણ જીંદગીમાં પડતી મુશ્કેલીઓમાથી ઉગારશે અને માર્ગદર્શક બની તમારી રક્ષા કરશે.

આ જ પ્રભુ તમને ખોટા નિર્ણયો લેતા રોકશે અને સાચા નિર્ણય માટે માર્ગદર્શક બની તમારી આગળ ચાલશે. લોકો દલીલો કરતા હોય છે કે બધું નસીબથી ચાલે છે. તો ભાઈ તું બીમાર પડ્યો તો દવાખાને શા માટે ગયો? છોડી દે ને બધું જ નસીબ પર…

પણ ભગવાનની જ કૃપા હોય છે કે ઘણા દુઃખ દર્દનો તો અહેસાસ પણ તમને નથી થતો. જયારે ખૂબ જ મોટી આપત્તિ આવી પડે ત્યારે પણ તો આપણે ભગવાનને જ મદદ માટે યાદ કરીએ છીએ.

તમારા કુળદેવી-દેવતાઓની કૃપા તમારા પર સદાય વરસતી રહે એવી પ્રાર્થના…

Source link —> gujjurocks.in

Share this :