જાણો આ વ્રતકથાનું શ્રવણ કે પઠન કરવાથી બહેનને ત્યાં ભોજન લીધાનું ફળ પ્રાપ્ત થાય છે
‘યમ’ અને ‘યમી’ ભાઇ બહેન હતાં. યમી એટલે યમુના નદી. યમી તો રોજ પોતાના ભાઇને પોતાને ત્યાં જમવા આવવા નોતરું આપે, પણ યમરાજને ઘડીનાયે ફુરસદ નહિ. કોઇનો ન્યાય તોળવો, કોઇને સજા કરવી વગેરે પ્રવૃતિમાંથી જ નવરા ન થાય, પછી બહેનને ત્યાં જમવા આવે કેવી રીતે? એવામાં ભાઇબીજનો પવિત્ર તહેવાર આવ્યો. એમાં વળી બહેનનો અત્યંત આગ્રહ એટલે યમ બહેનને ઘેર જમવા આવ્યા. બહેન તો ભાઇને પોતાને આંગણે જોઇ આનંદવિભોર બની ગઇ. બહેને પ્રેમપૂર્વક રસોઇ બનાવી અને બત્રીસ જાતનાં ભોજન ભાઇને આગ્રહપૂર્વક જમાડ્યાં.
ભાઇ યમ યમીને કહે છેઃ “બહેન! માગ માગ”
ભાવનાની ભેટ અમૂલ્ય છે, આથી બહેન યમીએ ભાઇ પાસે પાંચ વસ્તુઓ માગીઃ (૧) આજે બહેનને ત્યાં જે ભાઇ જમે તેનું મોત કમોતે ન થાય અને તેને યમરાજનાં તેડાં જ આવે. (૨) દર ભાઇબીજે મારે ત્યાં તમારે જમવા આવવું (૩) જે ભાઇ આજે યમુના સ્નાન કરે, તેની સદ્ગતિ થાય (૪) આ પવિત્ર દિવસે યમુના સ્નાન કરનાર ભાઇનું આયુષ્ય વધે અને બહેનનું સૌભાગ્ય અખંડ રહે (૫) આજે ‘યમપૂજા’ કરવાથી યમ પ્રસન્ન થાય
યમે તથાસ્તુ કહ્યું. ભાઇએ બહેનનાં ચરણે અતિ કીંમતી ભેટો ધરી, વ્રત કરી હસતે મુખે વિદાય લીધી. બહેન યમીએ તો નિઃસ્વાર્થ સેવાભાવે સંસારના સઘળાં ભાઇ-બહેનનું કલ્યાણ કરી દીધું. ભાઇ યમરાજ અને બહેન યમી સૌનું ભલું કરે. જો કોઇ કારણસર બહેનને ઘરે જમવાનું ન બની શકે તો કથા સ્મરણ કરવું.
જો નાની બહેન ન હોય તો મોટી બહેન, મિત્રની બહેન, મામા, માસી, કાકાની દીકરી, ધર્મની બહેનને ત્યાં જમવા જવું અને શક્તિ અનુસાર દાન આપવું. શ્રાવણ માસની બીજ હોય ત્યારે કાકાની દીકરીને ત્યાં ભોજન લેવું. ભાદરવા માસની બીજના દિવસે મામાની દિકરીના ઘેર જમવું. આસો માસની બીજના દિવસે માસી અથવા ફોઇની દિકરીનું આમત્રણ સ્વીકારવું અને કારતક સુદ બીજના (ભાઇબીજ) દિવસે પોતાની સગી બહેનના ઘેર ભોજન લેવું. આથી ધન-યશની પ્રાપ્તિ થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ફળીભૂત થાય છે, બળ અને આયુષ્યની અભિવૃદ્ધિ થાય છે, આરોગ્યની વૃદ્ધિ થાય છે.
અનિવાર્ય સંજોગોને લીધે ભાઇબીજને દિવસે ભોજન ન લઇ શકાય તો આ વ્રતકથાનું શ્રવણ કે પઠન કરવાથી બહેનને ત્યાં ભોજન લીધાનું ફળ પ્રાપ્ત થાય છે અને તેનું પુણ્ય નષ્ત થતું નથી અને આયુષ્યનો કદાપિ ક્ષય થયો નથી.
यमद्वितियां यः प्राप्य, भगिनी ग्रहभोजम् ।
न कुर्याद्वर्षजं पुण्यं नश्यतीति रवेः श्रुतम् ॥
Source link —> shareinindia.in